વાંકાચૂકા રસ્તા ઉપર સીધો ક્યાંથી ચાલું વ્હાલા,
મારા વ્હાલા આડા ઉભા, રસ્તો ક્યાંથી કાઢું વ્હાલા.
જેઓ એને મારી સાથે લેવા કાલાવાલા કરતા,
એણે પહેલું કામ કર્યુ કે ઠોકર મારી પાડું, વ્હાલા.
રસ્તે કાંટા એણે નાંખ્યાં છે જોયું, વિશ્વાસ નથી, પણ-
ભૂત ચડ્યું છે માથે એનું, કઈ રીતે ઉતારું વ્હાલાં?
અર્જુનને તો છાવરવા તેં ધર્મીધર્મી તારી આપ્યાં,
હું વ્હાલાંની વચ્ચે જઈને કોનો કોલર ઝાલું વ્હાલા?
‘તારે સીધાં રહેવું હો તો રસ્તો સાફ કરી હું આપું’,
મનની શાંતિ ખાતર એવું આપ વચન તો ઠાલું વ્હાલા.
શ્રદ્ધા એટલી દેજે જ્યારે તારી પાસે પહોંચું ત્યારે,
કાંટા, ખાડા, આડા, રોડા, સૌ કોઈ લાગે વ્હાલું વ્હાલા.
મેં તો એમને મારાં કહીને મારી સાથે લઈ લીધાં છે,
હું ઈચ્છું કે મારી સાથે એમને પણ પહોંચાડું વ્હાલા.
– અમિત ટેલર, ૧૨/૦૧/૨૦૨૪
[અમદાવાદથી પ્રકાશિત દૈનિક ‘સનવિલા સમાચાર’ નાં ૧૪/૦૧/૨૦૨૪ ના આંકની ‘રંગશ્રી’ પૂર્તિમાં ‘ગઝલ’ કોલમમાં પ્રકાશિત]