“કાચબા”ને વધુ નજીકથી જાણો

અમિત ટેલર – Amit Tailor

એક રાત્રે અચાનક મારી ઉંઘ ઉડી ગઇ અને અનાયાસે એક વિચાર આવ્યો કે છેલ્લા થોડા દિવસથી, એક અથવા બીજી વ્યસ્તતા ને કારણે, હું ફૂલછોડને પાણી નથી પાઈ શકતો. એનાં કારણે મનમાં એક પ્રકારનો અપરાધભાવ જાગ્યો અને એના પશ્ચાતાપ સ્વરૂપે કાચબાની સૌ પ્રથમ કવિતા ‘સુગંધ’ ના ૩ બંધ રચાયા. એટલું લખ્યાં પછી મેં સુઈ જવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ બિલકુલ ઉંઘ આવી નહીં. એવામાં જ વધુ એક અંતઃસ્ફૂર્ણા થઈ કે કવિતા એમનેમ નાં લખાય, કવિએ એક ઉપનામ ધરવું પડે. એથી મેં જયારે ઉપનામ પર વિચાર કરવાનું શરૂ કર્યું તો બીજી જ ક્ષણે, જે નામ સૌથી પહેલાં મનમાં સ્ફુર્યુ એ હતું કાચબો. ત્યાર પછી “કાચબો” ઉપનામ સાથે ‘સુગંધ’નો ચોથો બંધ રચાયો, અને કાચબાનો જન્મ થયો.

કવિતાઓનો શરૂઆતી સફર

“કાચબો” મારાં જીવનમાં એક સુખદ્ અકસ્માત સ્વરૂપે આવ્યો અને ત્યાર પછી જે રીતે “કાચબા”એ ગતિ પકડી એ મારા માટે પણ એક આશ્ચર્ય હતું. ક્યાંથી અને કેવીરીતે શબ્દો આવતાં ગયા અને કવિતાઓ રચાતી ગઈ, એ હું પોતે પણ જાણતો નથી. ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦,…. એમ કરતાં કરતાં, અત્યાર સુધીમાં કાચબાની ૪૫૦થી પણ વધારે કવિતાઓ પ્રકાશિત થઇ ચુકી છે. આશા છે કે સુખદ અકસ્માત સ્વરૂપે શરુ થયેલી આ કાવ્યયાત્રા, નિરંતર આગળ વધતી રહે. આ યાત્રાને હર હંમેશ ચાલુ રાખવાનો મારો શુદ્ધ અને સાત્વિક પ્રયત્ન રહેશે, જેમાં આપ સૌ વાચકો, પ્રશંસકો અને પ્રોત્સાહકોના સાથ અને સહકારની અવિરત અપેક્ષા રહેશે.

કાચબાની શૈલી

કાચબો સ્થિરતા, ગંભીરતા અને સાતત્ય નું પણ પ્રતિક ગણાય છે. કાચબાની કવિતાઓમાં આ ત્રણેય તત્વોની/ગુણોની ક્યાંકને ક્યાંક અનુભૂતિ થતી રહે એવોજ પ્રયાસ રહે છે અને રહેશે. સાથે એવું પણ કહી શકાય કે એ રીતે કાચબો સતત પોતાનાં ઉપનામને સાર્થક કરતો આવ્યો છે અને કરતો રહેશે. કાચબાની કવિતાઓ મુખ્યત્વે આધ્યાત્મિક, દાર્શનિક, પ્રેમ, સ્ત્રી-વિષયક અને બાલ-સાહિત્ય જેવા વિષયો ફરતે વણાયેલી હોય છે; અને જીવન અને જીવનના સંઘર્ષ; ઈશ્વર અને અન્ય મનુષ્યો સાથેના સંબંધો; પ્રેમમાં સમર્પણ, ત્યાગ, મિલન અને વિરહ; અને પ્રકૃતિના તત્વો અને એમની શીખ; જેવા પાસાઓને પોતાની રચનાઓમાં ઉજાગર કરવાનો પ્રયત્ન કરતો રહે છે.

કવિની પૃષ્ઠભૂમિ

અમિતટેલર.કોમ (amittailor.com) ગુજરાતી ભાષાને મન ભરીને જીવવાનો અને જીવંત રાખવાનો મારો નમ્ર પ્રયાસ છે. હંમેશા મારો પ્રયત્ન રહ્યો છે કે હું કશુંક અર્થપૂર્ણ અને રસપ્રદ લખું અને વૈવિધ્યપૂર્ણ વિષયવસ્તુઓ લઈને આવું; જેથી ગુજરાતી ભાષાનાં આ ભવ્ય અને ભાતીગળ વારસાને આગળ ધપાવવામાં મારું યથાશક્તિ યોગદાન આપી શકું; વધુ ને વધુ લોકોને ગુજરાતી ભાષામાં માં રસ લેતાં કરી શકું, ગુજરાતી ભાષા સાથે જોડી શકું અને ગુજરાતી ભાષાનો ગર્વ લેતાં કરી શકું.

મૂળ વિજ્ઞાનપ્રવાહનો વિદ્યાર્થી રહ્યો છું એટલે પ્રાથમિક શિક્ષણ પછી ગુજરાતી ભાષાની માળખાગત શિક્ષા મેળવી શક્યો નથી. એટલે જ કદાચ, ઘણીવાર, મારા લખાણમાં પણ ભાષાની અપૂરતી પકડ અને વ્યાકરણની અણસમજ દેખાઈ આવે છે. ગુજરાતીમાં કોઈ ખાસ સાહિત્ય પણ ક્યારેય વાંચી શક્યો નથી એટલે બહોળા શબ્દભંડોળની અછત પણ કાચબાની રચનાઓમાં ઝળકે છે. રોજિંદા વ્યવહારિક વપરાશમાં ઉપયોગમાં આવતા શબ્દો જ એની રચનાઓમાં સ્થાન પામે છે અને ગુજરાતી સાહિત્યમાં ઘડાઈ ગયેલા એને વ્યવહારમાં ઓછા વપરાતા શબ્દો એમાં જોવા મળતાં નથી. આ ત્રુટિને દૂર કરવા માટે હું પ્રયત્નશીલ રહું જ છું, છતાં આપને કોઈ રચનામાં જોડણી કે વ્યાકરણની ત્રુટિ જણાય તો ભૂલચૂક માફ કરશો અને એ તરફ મારુ ધ્યાન દોરશો જેથી હું યોગ્ય સુધારો કરી શકું.

અમિત ટેલર વિશે થોડું ઘણું

“કાચબા” સિવાય અને કાચબાથી અલગ મારો કોઈ ખાસ પરિચય નથી. હું, અમિત ટેલર, મૂળ કોસંબા (સુરત) નો વતની છું અને હાલ નોકરી અર્થે વડોદરા ખાતે રહું છું. મારો અભ્યાસ, વ્યવસાયિક કારકિર્દી અને અન્ય પ્રવૃત્તિ વિશે વધારે માહિતી મારી LinkedIn Profile પર ઉપલબ્ધ છે. અમિત ટેલર વિશે વધારે માહિતી આપેલી લિંક પરથી મેળવી શકાશે.

તો “કાચબા” ને વાંચતા રહો અને પ્રોત્સાહન આપતા રહો અને સાથે જ ગુજરાતી કવિતાઓ અને ગુજરાતી ભાષાને વધુ પ્રચલિત કરવામાં સાથ અને સહકાર આપો. મને સંપર્ક કરવા માટે સંપર્ક સૂત્ર અહીં ઉપલબ્ધ છે.