અબૂધ

You are currently viewing અબૂધ

અપરાધી ખરો, પણ તારો બાળક છું,
ઉત્પાતી ઘણો, પણ તારો બાળક છું,

તારું સઘળું લઈને સઘળું વિસરું છું
અપકારી ઘણો, પણ તારો બાળક છું,

એટલું ઓછું પડ્યું, ઝુંટ્વ્યું લોકોનું,
દુરાચારી ઘણો, પણ તારો બાળક છું,

કકળાવી હશે આંતરડી ફૂલોની,
સંતાપી ઘણો, પણ તારો બાળક છું,

વિંધ્યા ઘાયલ હૈયા ધારદાર વચનોથી,
પ્રતિઘાતી ઘણો, પણ તારો બાળક છું,

તારા આશીર્વાદના કર્યા ઢોલ-ઢંઢેરા,
અભિમાની ઘણો, પણ તારો બાળક છું,

લીધા હશે નિસાસા ખાલી ઝોળીઓનાં,
અભિશાપી ઘણો, પણ તારો બાળક છું,

કાદવમાંથી કાઢજે આ તારા “કાચબા”ને,
અતિપાપી ઘણો, પણ તારો બાળક છું.

– ૨૩/૦૫/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply