અનંત ઉપાયો

You are currently viewing અનંત ઉપાયો

જે તરફ, ડગલાં ભરું હું, એ તરફ, રસ્તો મળે,
જે તરફ, મસ્તક ઝુકાવું, એ તરફ, રસ્તો મળે,

હાં મળે રસ્તા બધાંયે, આવીને એક બિંદુએ,
જે સ્થળે ભૂંગળ વગાડું, એ સ્થળે રસ્તો મળે.

શક્યતાઓ, છે ભરેલી, દશ દિશા, ખૂણે-ખૂણે,
જે પળે, સંશય મિટાવું, એ પળે, રસ્તો મળે,

છે સફરમાં, કેટલાંયે, બાગ ને સુંદરવનો,
જોમ હું, મનમાં ભરી લઉં, કે તરત, રસ્તો મળે,

ફક્ત પડઘાયે છે શબ્દો, જ્યાં અડે પથ્થર કોઇ,
જોરથી ‘રસ્તો’ કહી દઉં, ને પરત ‘રસ્તો’ મળે,

મુશ્કેલીઓ “કાચબા”, કે’ને કયા રસ્તે નથી?
જો સતત હું તાગ કાઢું, તો સતત, રસ્તો મળે.

– ૧૨/૦૭/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply