ભાઈ

You are currently viewing ભાઈ

ભાનમાં તો કોણ તમને લાવવાનું ભાઈ,
રાહ જોઈને ખાંપણ જ પહેરાવવાનું ભાઈ.

બસ હવે સમજાવવાથી ફર્ક પડશે નહીં,
બોલતાં પહેલાં બરાબર ચાવવાનું ભાઈ.

છે સમય તો તોછડો તું સાચવી લેજે,
કામ એનું રોકડું પકડાવવાનું ભાઈ.

તું હવે નબળો પડ્યો છે, માર તો પડશે જ,
હોય લણવું એ જ તારે વાવવાનું ભાઈ.

પારધીના બાણથી ઘાયલ થયાં તો શું?
પાંખ જેવું હોય તો ફફડાવવાનું ભાઈ.

પાંખડીઓ ખેંચવાથી ફુલ ખીલશે નહીં,
બારણું તો પ્રેમથી ખખડાવવાનું ભાઈ.

બેઉ હાથે જ્યાં બને ત્યાં લ્હાણીઓ કરજે,
આખરે તો પીંડ પણ પધરાવવાનું ભાઈ.

– ૦૩/૧૧/૨૦૨૨

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply