ચાલ આજે, સુખ-દુઃખનો, હિસાબ કરીએ,
આવ બેસ, ખાટો-મીઠો, પ્રવાસ કરીએ.
કાઢ ચોપડે જમા-ઉધાર ના લેખાં જોખાં,
લાવ આજે સરભર આખી કિતાબ કરીએ…. ચાલ આજે…
પહેલા કર, સરવાળા, હર્ષોલ્લાસના,
સૌથી ‘સુખી’ હોવાનો, નામે ખિતાબ કરીએ.
બાકી વધે, જો મનદુઃખ થોડા, તો,
અમૃત જેવા આંસુઓથી બાદ કરીએ… ચાલ આજે…
હર્ષ કે શોક, વઘારે પડતા, ક્યારેય નહીં “કાચબા”,
જેમ કરતા આવ્યા છે, એમ જ વેપાર કરીએ.
નફો ને નુકશાન બંન્ને, ખાના એક જ ચોપડાના,
બંન્ને બાજુ કંઈક ચોક્કસ રહેશે, સ્વીકાર કરીએ…. ચાલ આજે…
– ૦૫/૧૨/૨૦૨૦
વાહ, સુખ અને દુઃખ તો જીવનમાં નફા-નુકશાન તરીકે કાયમ રહેવાનાં જ ..
વાહ…એકદમ સાચી અને ખુબ સરસ સમજણભરી વાત કરી…ખુબ ખુબ સુંદર અભિવ્યક્તિ…