ધક્કો

You are currently viewing ધક્કો

કોઈને ખભે ચઢ્યો’તો, ત્યારેજ અહીંયા પહોંચ્યો’તો
તેં પણ કોઈને ઊંચકી લીધો, તો શું ધાડ મારી લીધી.

પા પા પગલી ભરતો’તો, આંગળી ઝાલી ફરતો’તો,
તેં કોઈની આંગળી ઝાલી લીધી, તો શું ધાડ મારી લીધી.

કોઈની મહેનતનું ખાધુ’તુ, ત્યારે ડોઝરું ભર્યું’તુ,
તેં કોઈને થાળી આપી દીધી, તો શું ધાડ મારી લીધી.

કોઈએ પરસેવો પાડ્યો’તો, ત્યારે રૂપિયો રળ્યો’તો,
તેં બે નોટ છાપી લીધી, તો શું ધાડ મારી લીધી.

કોઈએ ઠીંગડું માર્યુ’તું, ત્યારે ખમીસ આવ્યું’તું,
તેં કોઈને ઝભલી આપી દીધી, તો શું ધાડ મારી લીધી.

કોઈએ એકડો ઘુંટ્યો’તો, ત્યારે કક્કો શીખ્યો’તો,
તે કોઈની પાટી ભરી દીધી, તો શું ધાડ મારી લીધી.

કોઈએ પંખો કર્યો’તો, ત્યારે રાતભર ઊંઘ્યો’તો,
તેં કોઈને ઠંડક કરી દીધી, તો શું ધાડ મારી લીધી.

કોઈએ પહાડ જતો કર્યો’તો, ત્યારે તને મળ્યો’તો,
તેં રાઈ છૂટી કરી, તો “કાચબા”, શું ધાડ મારી લીધી.

– ૦૭/૦૬/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply