સમસ્યા એ પણ છે કે સહેલો રસ્તો જ નથી,
સમસ્યા એ પણ છે કે કોઈ છૂટકો જ નથી.
આંધળે પાટે દોડીને જીતવાની છે સ્પર્ધા,
સમસ્યા એ પણ છે કે આડો પટ્ટો જ નથી.
ક્ષિતિજપારથી ચાલી આવીએ પોરો ખાવા,
સમસ્યા એ પણ છે કે ધરતીનો છેડો જ નથી.
સજા ભોગવી લઈએ તો ગુસ્સો ઠરે એમનો,
સમસ્યા એ પણ છે કે હાથમાં ડંડો જ નથી.
રણભૂમિ વચ્ચે બેસીને કાટ ઘસીએ છીએ,
સમસ્યા એ પણ છે કે તોપમાં ગોળો જ નથી.
વેશ ભજવાઈ ગયો ને વાર્તા પતી ગઈ છે,
સમસ્યા એ પણ છે કે પાડવા પડદો જ નથી.
કપાટ ખુલવાની આશે ક્યારનો બેઠો છે “કાચબો”
સમસ્યા એ પણ છે કે અંદર ભોળો જ નથી.
– ૦૫/૦૫/૨૦૨૨
[જીવનમાં ઘણી વાર એવી પરિસ્થિતિઓ ઉભી થઈ જતી હોય છે કે ત્યારે સાચું શું ને ખોટું શું એવી ભેદરેખા ખેંચવાનું અશક્ય થઇ જાય છે. એક બાજુ કૂવો ને બીજી બાજુ ખાઈ. જવું તો ક્યાં જવું? કરવું તો શું કરવું? કરવું કે નહીં કરવું? એવી તો “દ્વિધા” માં ફસાઈ જવાય છે કે એવું થઈ આવે કે આ ધરતી અત્યારે ને અત્યારે જ ફાટી જાય અને મને અંદર સમાવી લે…જેથી કરીને મારે કોઈ નિર્ણય લેવો જ નહીં પડે….]
સરસ રચના.
ક્યાંથી લાવો છો મસ્ત વિચારો? The best.🙏👌👍
સામે છે મંઝિલ ને ચાલવાની પગમાં હિંમત નથી,
જે અત્યારે ધુત્કારે છે મને એને મારી કિંમત નથી, જ્વાળામુખીના ઊંબરેથી બોલ્યો ઊકળતો લાવા,
સોનાની ચમકમાં ખોવાયેલાને હિરાની પરખ નથી…
દરેકના મનના ભાવનું સરસ આલેખન