એક સાંધો ત્યાં તેર તુટે

You are currently viewing એક સાંધો ત્યાં તેર તુટે

હાલક ડોલક ગાડું ચાલે,
રસ્તા વચ્ચે આડું ચાલે,
ધ્યાને ચડ્યા વિના રહે નહીં,
બકરાં વચ્ચે પાડું ચાલે.

થીંગડા મારવા કપડું જોઈએ,
જૂનું પાતળું જાડું ચાલે.
નહીં મામાનો કાણો મામો,
રાશ* નહીં તો નાડું ચાલે. … હાલક ડોલક૦

ઘોડું નહીં ગધેડું તોય શું?
બાંધ ભલેને બાડું, ચાલે.
જોર ધણીના બાવડામાં હોય,
કોરડા* પેટે ઝાડું ચાલે. … હાલક ડોલક૦

પોરો ઘડીક઼ ખાઈ લેવા દે,
વાત પછી હું માંડું, ચાલે?
ખોળિયું એવું મળ્યું કે, થોડુંક-
સાંધુ, થોડુંક ફાડું ચાલે. … હાલક ડોલક૦

ભાણા ભાઈ ભાગ્યમાં જોઈએ,
લાકડાંનાં હોય લાડું ચાલે.
મહેનત કે’તે કરી લઉં “કાચબા”,
પછી નસીબને ભાંડુ, ચાલે? … હાલક ડોલક૦

– ૧૦/૦૨/૨૦૨૨

*રાશ:  બળદ (વગેરે પ્રાણીઓને) ગાડાં સાથે બાંધવાનું જાડું દોરડું
*કોરડા (પેટે) – ચાબૂક (તરીકે)

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 2 Comments

  1. Tarulata pandya ' ratna '

    સુપર્બ થી પણ ઉપર.👌👌👌👌👌👌🙏🙏🙏🙏

  2. Ishwar panchal

    ખુબ સરસ રચના.