તું એક છે, તો અલગ અલગ વેશ કેમ?
ધરતી એક છે, તો અલગ અલગ દેશ કેમ?
બંદગી તો બધાને તારી જ કરવાની,
તો બધાનાં જ અલગ અલગ ખેસ કેમ?
જેવાં ઘડ્યા અમને તેંજ ઘડ્યા સ્વેચ્છાએ,
તો તારાજ ઘરમાં અમને, અલગ અલગ પ્રવેશ કેમ?
કર્તા તું, કર્મ તું, કારક પણ તું, તેજ કીધેલું,
તો સ્વર્ગ અને નર્ક એવાં અલગ અલગ પ્રદેશ કેમ?
તું તો સાધુ, નિર્મોહ, નિષ્કામ, નિર્લોભ, નિર્ભય,નિષ્પક્ષ,
તો પછી જંગલ અને રણમાં અલગ અલગ નિવેશ કેમ?
બધાજ વેશમાં તે સરખો સંદેશ આપ્યો હોય,
તો બધાનાં જ વિચાર અલગ અલગ, દ્વેષ કેમ?
તારું સત્ય એકજ-શાસ્વત હોય જો “કાચબા”,
તો યુદ્ધ અને બુદ્ધ ના, અલગ અલગ ઉપદેશ કેમ?
– ૦૮/૦૨/૨૦૨૧