દરવાજો તો ખુલ્લો છે, મળવું હોય તો આવ,
રોમાંચ તારે અંગેઅંગમાં, ભરવું હોય તો આવ.
નિરાશ-ફિક્કું-ઘરેડમાં, જીવ્યા તો શું જીવ્યા,
ભૂકંપ જેવું શરીરમાં કંઈક કરવું હોય તો આવ.
ચગડોળ થઈને ફરવું પડશે, ચક્કર આવે નહીં ચાલે,
હૈયું લઈને આગળ પાછળ ફરવું હોય તો આવ.
દઝવે નહીં બસ હૂંફ આપશે, સ્પર્શ જોઈલો પીડાંતક,
હળવે હળવે બાહોમાં જો બળવું હોય તો આવ.
નિયમ દ્વંદ્વના જે હું કૌં, શરુ થશે સૂર્યાસ્ત પછી,
શરણાગત સ્વીકારી લઈને, લડવું હોય તો આવ.
ધીમે ધીમે ચડશે પારો, માહોલ ઝટમાં જામે નહીં,
રાતથી લઈને સવાર સુધી, ઓગળવું હોય તો આવ.
સ્વતંત્રતા તો મળતાં મળશે, “કાચ઼બા” પાંજરું રાહ જુએ,
તનડું મૂકી મનની અંદર ભળવું હોય તો આવ.
– ૨૦/૦૧/૨૦૨૨