કામ પડતાં મૂકી દીધા, લે બેઠો,
ઘરબાર રેઢાં મૂકી દીધાં, લે બેઠો.
વિચાર બીજો કોઈ હવેથી નહીં આવે,
સૌને શાંત કરી દીધા, લે બેઠો.
સ્હેજેય સંકોચ મનમાં તું રાખીશ નહીં,
પડદા બંધ કરી દીધા, લે બેઠો.
ધ્યાન મારુ પુરે પૂરું તારી ઉપર,
કાન સરવાં કરી દીધાં, લે બેઠો,
ગભરાયલો તું લાગે છે તો, લે મેં પણ-
હથિયાર હેઠાં મૂકી દીધા, લે બેઠો.
આપવી હોય જે પણ ચિંતા, આપી દે,
હાથ ખાલી કરી દીધાં, લે બેઠો.
કાંટા જોઈને “કાચબા” તું મૂંઝાતો નહીં,
ફરતાં બંધ કરી દીધા, લે બેઠો.
– ૨૨/૦૨/૨૦૨૨
અદભુત ભાવનાત્મક રચના.