એ નહીં ઈચ્છે અગર તો પાંદડું હલતું નથી,
તું જ નક્કી કર કે તારું કામ કાં ફળતું નથી.
જ્યાં સુધી આવે નહીં ને માર્ગમાં કોઈ અડચણો,
ત્યાં સુધી કોઈ ભાગ્ય શું, ઈશ્વરને પણ ગણતું નથી.
પૂર્ણ તૈયારી કરી’તી કે તિલક કાલે કરે,
એ પ્રમાણે પણ અયોધ્યામાં કશું બનતું નથી.
નહીં હશે વિશ્વાસ એથી મહેલ ચણ્યો લાખનો,
નહીં તો કંઈ એવું નથી કે લાકડું બળતું નથી.
લક્ષ્ય ચૂકે તો હવાનો પાડ તારે માનવો,
પારધીનું તીર બાકી માર્ગથી હટતું નથી.
કર્મ કંઈક ને કંઈક તો કરવા પડે છે નહીં તો અહીં,
સ્વર્ગની તો વાત છોડો નર્ક પણ મળતું નથી.
હાથ એનાં પણ હશે બંધાયેલા કોને ખબર,
એને પણ કરવું પડે છે જે એને ગમતું નથી.
– ૧૩/૦૯/૨૦૨૩
[રોજે રોજ, હર હંમેશ, દરેક ક્ષણે, દરેક સ્થળે, કોઈ ને કોઈ દ્વારા, કંઈક ને કંઈક થતું રહે છે, ઘટતું રહે છે, બનતું રહે છે; અને એમાંનું કશું પણ કરવું કે એને કરતાં કે થતાં રોકવું એ આપણાં કોઈનાં પણ હાથમાં નથી. જે થવાનું નિહિત છે એ નક્કી ઘટિત થઈને જ રહેશે, કોઈ કશું કરી શકવાનું નથી.]
Nice
વાહ વાહ ખૂબ સરસ ગઝલ
વાહ બહું સરસ ભાવો વાહ 👌👌👌👌
એકદમ સાચીવાત કહીં કાચબાભાઈ…
જે થવાનું છે એ થઈને જ રહેશે. આમાં આપણું ધાર્યુ કંઈ થતુ નથી..
👌👌👌✍️✍️✍️
વાહ અમિતભાઈ ખૂબ ખૂબ સુંદર રચના
સો ટકા સાચી વાત કહી.ખુબ સરસ
ખૂબ જ સરસ
ખૂબ સરસ