તારી સમસ્યા હું જાણું, મારી સમસ્યા તું જાણે,
તારી વિવશતા હું જાણું, મારી વિવશતા તું જાણે.
વેદ પુરાણો ભણ્યા નથી, હાર તોળા કર્યા નથી,
કર્મે હતું તે કર્યું નિર્ધારિત, મોક્ષ-ફળ્ આદિ તું જાણે.
કીધું એટલું કરી દીધું, હાજર એટલું ધરી દીધું,
ભૂખે કીર્તન-પૂજન કર્યા, સાચું-ખોટું તું જાણે.
હું તો વ્યસ્ત છું તારા કામે, જે કરું તે તારાં નામે,
મેં મારું મન ખોલી દીધું, તારાં મનની તું જાણે.
હાલ મેં મારાં ભસી દીધા, હાથ તેં તારાં ઘસી લીધાં,
મારી ફરજમાં નોતરું દેવું, આવવું-નાવું તું જાણે.
મુસીબતોની ભારી છે’ને, હેમખેમ ભોંય ઉતારી છે,
આડું અવળું કાંઈ કર્યું તો, તારી વાત તું જાણે.
કર્મને જે કોઈ વિસરી જાશે, જાદુ એનો ઓસરી જાશે,
મારું કર્તવ્ય તને ચેતવું, બાકી “કાચબા” તું જાણે.
– ૧૦/૦૫/૨૦૨૧