એક વિચાર એક દિ, વંટોળ બની જશે,
એક વાદળ એક દિ, ઘનઘોર બની જશે,
પ્રયત્ન જો કરશે એની પુરી ક્ષમતાથી,
એક પતરું એક દિ, છપ્પર બની જશે,
ખમી જશે વિસ્ફોટ, દબાણ, જવાળામુખી જો,
એક પથ્થર એક દિ, પારસ બની જશે,
અવિચળ રહેશે ઠંડી, ગરમી, વર્ષામાં,
એક ઠળિયો એક દિ, ઉપવન બની જશે,
ઉજળી કરી શકશે એ આખીયે દુનિયાને,
એક તારો એક દિ, સૂર્ય બની જશે,
સાથે લેતો જશે નાની નાની સરવાણી,
એક ખોબો એક દિ, દરિયો બની જશે,
ચાલતો રહેશે “કાચબા” મંત્રના માર્ગે,
એક બાવો એક દિ, અવધૂત બની જશે.
– ૧૯/૦૭/૨૦૨૧