રોજ સવારે એક નવો વિચાર આવવો જોઈએ,
રોજ સવારે અંદરથી એક અવાજ આવવો જોઈએ,
ઊંડે સુધી ઉતરી ગયો છે અંધકાર અજ્ઞાનનો,
રોજ સવારે નજરે એનો પ્રકાશ આવવો જોઈએ,
દિવસભરનો થાક તનને જકડી રાખે રાતભર,
રોજ સવારે માથે એનો હાથ આવવો જોઈએ,
ઉઠતાં પહેલાં જ પ્રસરી જાયે સ્મિત મારાં હોઠ પર,
રોજ સવારે કોમળ એનો એહસાસ આવવો જોઈએ,
આખો દિવસ તો નજર સામે દુનિયા આખી રે’વાની,
રોજ સવારે ચહેરો એનો ખાસ આવવો જોઈએ,
લાલસા તો બિલકુલ નથી, ફૂલો તો કરમાઈ જશે,
રોજ સવારે મનગમતો ઉપહાર આવવો જોઈએ,
સ્વાગત સવારનું એથી વિશેષ શું હોઈ શકે “કાચબા”,
રોજ સવારે કર કમળોનો હાર આવવો જોઈએ.
– ૧૮/૦૬/૨૦૨૧