હોડ લાગી છે અહીંયા તો, ખારાં થવાની,
ગાંડી થઇ છે અહીંયા નદીઓ, સાગર માટે.
ભૂલી ગઈ છે કર્તવ્યોને માતૃત્વના,
મૂકી દીધી છે મમતા નેવે, સાગર માટે.
રોકાવા તૈયાર નથી એ એક ક્ષણ પણ,
છોડી જાય છે ઘાટ હરિયાળા, સાગર માટે.
કિનારાની સીમાઓ એને, બંધન લાગે,
ઘોતી ચાલી ગામ-સીમાડા, સાગર માટે.
મનમાં નહિ હોય, ચિત્તમાં નહિ હોય, હિમાલયોને,
છોડી જાશે કટકા અમને, સાગર માટે.
મળવા આવતા ઝરણાં એને પામર લાગે,
કોણ સમજાવે, એટલીયે નથી તું, સાગર માટે.
ઘોળી ગયો છે ઘોડાપૂરોને, યુગો-યુગોથી,
હૈસિયત તારી કંઈ નથી “કાચબા”, સાગર માટે.
– ૧૯/૦૨/૨૦૨૧