ભાંગી જઈને ભક્તિ તારી આ ભવે તો નહીં કરું,
શું સજાનો ભય બતાવે? જા હવે તો નહીં કરું.
હા હશે, બીજાં ભલે ભયથી તને નમતાં હશે,
કૅરની બીકે નમન શ્રદ્ધા વડે તો નહીં કરું.
સામસામે જો કરે ચર્ચા તો હું તૈયાર છું,
વારે વારે દ્વાર પર પડદા પડે તો નહીં કરું.
મંદ સ્વર, નીચી નજર, વિનમ્રતા મારી હતી,
પણ મને નબળો ગણી માથે ચડે તો નહીં કરું.
માંગવાની વાત ક્યાં આવી, એ મારો હક હતો,
લઈ લઈશ પુરુષાર્થથી અરજી તને તો નહી કરું.
ફાવ્યું ના ગાંડીવ ત્યારે વાત સંધીની હવે?
સારથી પણ જો સ્વયં યુદ્ધે ચઢે તો નહીં કરું.
તું કહે તો હું સમર્પણ પણ કરીશ, પણ જો મને-
ધર્મ ને સિદ્ધાંત મારાં ના કહે તો નહીં કરું.
– ૩૦/૦૮/૨૦૨૨
[અમદાવાદથી પ્રકાશિત ‘સનવિલા સમાચાર’ નાં ૧૮/૦૨/૨૦૨૪ ના અંકની ‘રંગશ્રી’ પૂર્તિમાં ‘ગઝલ’ કોલમમાં પ્રકાશિત]