નવરાત્રી ૨૦૨૦

You are currently viewing નવરાત્રી ૨૦૨૦

દયા કરજે, માં દયા કરજે,
થોડી નહીં ભરપૂર કરજે, દયા કરજે.

ફેલાયો છે એક વિકાર,
ચારે બાજુ હાહાકાર,
પડવે, તારા તેજથી,
અંધ઼કાર આ દૂર કરજે;  ….દયા કરજે, માં…

બાળક તારો થયો લાચાર,
ભાંગી પડ્યા ધંધા રોજગાર,
બીજે, હાથ લંબાવવા,
નહિં એને મજબૂર કરજે;  ….દયા કરજે, માં…

માં તો આવે સૌને યાદ,
સૌની પાસે છે ફરિયાદ,
ત્રીજે, મંદિરીયે ભક્તોનું,
તોય ના તું ઘોડાપૂર કરજે;  ….દયા કરજે, માં…

સૌની આશ તારી સાથે,
ક્યારે તું મહિંસાસુર નાથે,
ચોથે, વિશ્વાસ ચોક પર,
ના તું ચકનાચૂર કરજે;  ….દયા કરજે, માં…

ફીક્કા પડ્યા અબિલ-ગુલાલ,
લલાટ કરતાંય લોચન લાલ,
પાંચમે, પગલાં કુમકુમના,
હાજ઼રા હજૂર કરજે;  ….દયા કરજે, માં…

અણધાર્યા અનુભવો થયા સંસાર માં,
જાણેકે ગોળ નથી રહ્યો કંસાર માં,
છઠે, ભોજન થાળ માં,
ઘેર ઘેર મોતીચૂર કરજે;  ….દયા કરજે, માં…

ચુંદડી તારી આજ ખોવાણી,
માથું મૂકીને મોંઢે બંધાણી,
સાતમે, કપરા કાળમાં,
દરગુજર એટલો કસૂર કરજે;  ….દયા કરજે, માં…

બંધ થઇ ગયા ધમધમાટ,
સૂના પડ્યા યમુના ઘાટ,
આઠમે, ‘ખેલ’ ‘સંસ્કાર નગરીનો’,
ફરીવાર મશહૂર કરજે; ….દયા કરજે, માં…

ઝગમગ દીવડા નો પ્રકાશ, ને
પાછો ફરે એ હર્ષોલ્લાસ,
નવમે, અરજી ‘કાચબાની’,
આટલી તું મંજૂર કરજે; …

દયા કરજે, માં દયા કરજે,
થોડી નહીં ભરપૂર કરજે, દયા કરજે, માં દયા કરજે.

– ૨૪/૧૦/૨૦૨૦

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
5 1 vote
રેટિંગ
guest
0 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments