નવું ઘર

You are currently viewing નવું ઘર

અજાણ્યો લાગ્યો છું, હું, મને જ, મારા ઘરમાં,
અચંબિત જોઈને છું, હું, મને જ, મારા ઘરમાં.

ગોરસ આપતી જે મીઠી,
ઘટાદાર આંગણાની આંબલી,
નિઃશાસા નાંખે એનાં મૂળિયાં,
જોઈને મને જ, મારા ઘરમાં…. અજાણ્યો લાગ્યો છું…

કાપીને મેં ગાંડા બાવળ,
કર્યું’તુ જે મેદાન મોકળું,
ચીડવે ત્યાંથી રેત-સળીયાં,
જોઈને મને જ, મારા ઘરમાં. … અજાણ્યો લાગ્યો છું…

વરસતી ધાર અમૃતની,
ઝોક ખાધેલી છતમાંથી,
એની આંખે છે ઝળઝળીયાં,
જોઈને મને જ, મારા ઘરમાં. … અજાણ્યો લાગ્યો છું…

હતો જ્યાં વાસ સુરજનો,
સુગંધ માટીની પ્રસરતી’તી,
ખૂણા એ ચાર ખળભળીયાં
જોઈને મને જ, મારા ઘરમાં. … અજાણ્યો લાગ્યો છું…

કરાવ્યો એક તસવીરે,
પરિચય બાળપણાને “કાચબા”,
મોતી ખૂણે બે ઝળહળીયાં,
જોઈને મને જ, મારા ઘરમાં. … અજાણ્યો લાગ્યો છું…

– ૦૧/૦૨/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply