શું કામ?

  • Post published:07-Oct-20

શું કામ એને દિકરાની જેમ રાખું?
શું કામ એ પંખીડાની પાંખ કાપું?
એક વ્યક્તિત્વ સાથે ચેડાં કરીને,
શું કામ મારી જાત ને પાપ માં નાખું? શું કામ એને…

શું કામ એના મનમાં કોઈ ભ્રમ નાખું?
શું કામ ખોટા આડંબર માં રાચું?
એના સત્યથી અલગ ઓળખ આપીને,
શું કામ એક જીવને મુંઝવણમાં નાંખું? શું કામ એને…

શું કામ એ ઈશ્વરને પડકાર નાખું?
શું કામ એની રચનાના અલંકારો કાપું?
લક્ષ્મી કરીને મોકલી છે “કાચબા”,
શું કામ ચુંદડી નહીં ને પે’રણ ઓઢાડું? શું કામ એને…

– ૦૬/૧૦/૨૦૨૦

Continue Readingશું કામ?

કટારી

  • Post published:06-Oct-20

ધારદાર છે, ખબર હતી, એટલે જ એના પર નજર હતી,
ઉછળતી-કુદતી હતી મસ્તી થી, કવિની જાણો ગઝલ હતી.

ચાંદી જેવો વાન એનો, સોનેરી શી પકડ હતી,
મરોડદાર અંગ એના, રજવાડી શી અકડ હતી.

ચુંબક જેવું આકર્ષણ, ને જાદુઈ કઈ અસર હતી,
છતાંય રહેતી’તી ઉદાસ, એક શૂરવીર ની કસર હતી.

વર્ષોથી એ હતી મ્યાનમાં, લોહી ની એને તરસ હતી,
બીજે શું કામ મોકલું ‘કાચબા’, દિલમાં જગ્યા સરસ હતી.

– ૦૫/૧૦/૨૦૨૦

Continue Readingકટારી

માછલી

  • Post published:06-Oct-20

ફરતી હતી મોજથી અલમસ્ત દરીયામાં,
ખુટતા નહોતા રંગો ત્યારે એના ખડીયામાં.
મોજાં સાથે ઉડતી ને તરંગો ભેગી દોડતી,
ખોટ નહોતી ત્યારે ખીલખીલાટ ની દરિયામાં.
રમતી હતી સંતાકૂકડી એ દિવસ એ અભાગી,
લહેર આવી જોરથી જે દિવસ દરિયામાં.

એમાંથી જ એકે એને જોરથી ફેંકેલી,
રમાડતા જે મોજાં એને મોજથી દરિયામાં.
કિનારે પરવાળા જોવાની લ્હાયમાં,
ફેંકાઈ ગઈ કાદવના એ દિવસ દરિયામાં.

ખારો ખરો, પણ કેટલો પ્રેમાળ હતો,
નાના મોટા સૌને માટે, એક સરખો વિશાળ હતો.
ધ્યાન રાખતો’તો એ, એ નાનકડા જીવનોય,
હૂંફ અને દરકારની અછત નહોતી દરિયામાં.

બિચારી એ દિવસે કેટલું તરફડેલી,
પોતાની લાચારી પર બહું જોરથી રડેલી.
કરતીતી કાલાવાલા મોજાને ‘કાચબા’,
લઈ જાવ પાછી એક દિવસ દરિયામાં.


૦૧/૧૦/૨૦૨૦

Continue Readingમાછલી

પડકાર

  • Post published:06-Oct-20

ઘનઘોર ઘટા, સુસવાટા પવનના,
ભય, આક્રંદ, કકળાટ, ચીસાચીસ,
અફરાતફરી, પડાપડી ને નાસભાગ,
એક ચક્રવાત, એની નજર સામે છે.

કોઈ વળી ગયું, તો કોઈ  પડી ગયું,
થોડા તૂટી ગયા બાકી ભાંગી ગયા.
ફિકર એને ચકલી ને ઈંડા બેવની છે,
માળા એનીયે ડાળે પંખીઓ બાંધી ગયા.

એવું નથી કે બિલકુલ એને ભય નથી,
આ દુસ્સાહસ ના પરિણામનો એને અંદાજ નથી,
તોય ઉભો છે અડીખમ, વટ થી છાતી કાઢી ને,
બાથ ભીડવા બળિયા સાથે, બેય હાથ પસારીને.

એ તો કંઈ સાવ ઘેલો નથી, પણ
અપાર શક્તિ નો અનુભવ, એનો પહેલો  નથી.
વીતાવ્યા છે કંઈ કેટલાય વસંત એણે અહિયાં જ,
કેટલીયે ડામરીઓને એણે વંટોળ થતા જોયા છે.

અકડ઼ નથી ‘કાચબા’, આ એનો આત્મવિશ્વાસ છે,
દશકોના અનુભવોનો એનો આ ક્યાસ છે.
કેટલા ઊંડા મૂળિયાં ને કેટલા બાકી શ્વાસ છે,
વંટોળ કરતા એને, એના મૂળિયાં પર વિશ્વાસ છે.

– ૩૦/૦૯/૨૦૨૦

Continue Readingપડકાર

અમાસ

  • Post published:06-Oct-20

રાત તો બધીજ સરખી, અંધારા જુદા જુદા છે,
ચોઘડીયું એકનું એક, એના ઉજાગરા જુદા જુદા છે.

ઊંઘ એને વળી આવે ક્યાંથી, ઘરમાં તો ખાલીપો છે,
ખખડાટ એનો એજ, એને ભણકારા જુદા જુદા છે.
ઉજ્જવળ પ્રકાશ, ને એક હાશ…, ક્ષણિક નીવડ્યા,
ચારે કોર બસ વીજળીના, ચમકારા જુદા જુદા છે.

અલા ચંદર, તું કેમ શરમાઈ ગયો?
તારું નામ લવ એ પેલ્લા તો તુ સંતાઈ ગયો.
હવે શું કરશે એ, તને ક્યાં શોધવા નીકળે?
અજવાળા જેમ રોજના, તારા નખરાં જુદા જુદા છે.

અધકચરી ઊંઘમાં એને કંઈક આભાસ થાય છે,
નીરવ શાંતિ માં અચાનક ખળભળાટ થાય છે,
દીવો કરીને જોવાની એને શી જરૂર ‘કાચબા’,
તારાથી કાંઈ એના ધબકારા જુદા જુદા છે?

– ૨૯/૦૯/૨૦૨૦

Continue Readingઅમાસ