નહીં કરું

  • Post published:19-Feb-24

ભાંગી જઈને ભક્તિ તારી આ ભવે તો નહીં કરું,
શું સજાનો ભય બતાવે? જા હવે તો નહીં કરું.

હા હશે, બીજાં ભલે ભયથી તને નમતાં હશે,
કૅરની બીકે નમન શ્રદ્ધા વડે તો નહીં કરું.

સામસામે જો કરે ચર્ચા તો હું તૈયાર છું,
વારે વારે દ્વાર પર પડદા પડે તો નહીં કરું.

મંદ સ્વર, નીચી નજર, વિનમ્રતા મારી હતી,
પણ મને નબળો ગણી માથે ચડે તો નહીં કરું.

માંગવાની વાત ક્યાં આવી, એ મારો હક હતો,
લઈ લઈશ પુરુષાર્થથી અરજી તને તો નહી કરું.

ફાવ્યું ના ગાંડીવ ત્યારે વાત સંધીની હવે?
સારથી પણ જો સ્વયં યુદ્ધે ચઢે તો નહીં કરું.

તું કહે તો હું સમર્પણ પણ કરીશ, પણ જો મને-
ધર્મ ને સિદ્ધાંત મારાં ના કહે તો નહીં કરું.

– ૩૦/૦૮/૨૦૨૨

[અમદાવાદથી પ્રકાશિત ‘સનવિલા સમાચાર’ નાં ૧૮/૦૨/૨૦૨૪ ના અંકની ‘રંગશ્રી’ પૂર્તિમાં ‘ગઝલ’ કોલમમાં પ્રકાશિત]

Continue Readingનહીં કરું

ઉતારે

  • Post published:05-Feb-24

નીકળી પડ્યાં છો આ મોટા ઉપાડે,
ક્યાં સુધી ટકશો આ તપતાં ઉનાળે.

બંને ક્ષણિક છે હો જુસ્સો કે ગુસ્સો,
પાણીમાં પરપોટા આવે ઉકાળે.

ખોટું નથી કાંઈ કરવામાં સાહસ,
વંટોળ સીધાંને જડથી ઉખાડે.

ક્યારે ખબર નહીં શિખર પર એ પહોંચે,
પહેલાં પગથિયે જે સિક્કો ઉછાળે

વાસંતી લહેરો પર ઉડે છે કાગળ,
પંખીને તો એની પાંખો ઉડાડે.

પથરાને જઈને જરા કોઈ કહેજો,
ઠળિયાને અંદરનો અંકુર ઉગાડે.

– અમિત ટેલર, ૨૫/૦૮/૨૦૨૨

Continue Readingઉતારે

આવું વ્હાલા !(?)

  • Post published:15-Jan-24

વાંકાચૂકા રસ્તા ઉપર સીધો ક્યાંથી ચાલું વ્હાલા,
મારા વ્હાલા આડા ઉભા, રસ્તો ક્યાંથી કાઢું વ્હાલા.

જેઓ એને મારી સાથે લેવા કાલાવાલા કરતા,
એણે પહેલું કામ કર્યુ કે ઠોકર મારી પાડું, વ્હાલા.

રસ્તે કાંટા એણે નાંખ્યાં છે જોયું, વિશ્વાસ નથી, પણ-
ભૂત ચડ્યું છે માથે એનું, કઈ રીતે ઉતારું વ્હાલાં?

અર્જુનને તો છાવરવા તેં ધર્મીધર્મી તારી આપ્યાં,
હું વ્હાલાંની વચ્ચે જઈને કોનો કોલર ઝાલું વ્હાલા?

‘તારે સીધાં રહેવું હો તો રસ્તો સાફ કરી હું આપું’,
મનની શાંતિ ખાતર એવું આપ વચન તો ઠાલું વ્હાલા.

શ્રદ્ધા એટલી દેજે જ્યારે તારી પાસે પહોંચું ત્યારે,
કાંટા, ખાડા, આડા, રોડા, સૌ કોઈ લાગે વ્હાલું વ્હાલા.

મેં તો એમને મારાં કહીને મારી સાથે લઈ લીધાં છે,
હું ઈચ્છું કે મારી સાથે એમને પણ પહોંચાડું વ્હાલા.

– અમિત ટેલર, ૧૨/૦૧/૨૦૨૪

[અમદાવાદથી પ્રકાશિત દૈનિક ‘સનવિલા સમાચાર’ નાં ૧૪/૦૧/૨૦૨૪ ના આંકની ‘રંગશ્રી’ પૂર્તિમાં ‘ગઝલ’‌ કોલમમાં પ્રકાશિત]

Continue Readingઆવું વ્હાલા !(?)

પતાવટ

  • Post published:08-Jan-24

તું ઊભો છે હું ઊભો, ફેલાવ હાથ બે ઝોળી કરીએ,
સઘળાં મનદુઃખો લઈ આવું, ચાલને મોટી હોળી કરીએ.

આજે કાલે કરતાં કરતાં વીતી ગયાં વર્ષોના વ્હાણા,
આજે મોકો આવ્યો છે તો વાત અહમને છોડી કરીએ.

હું સાચો કે તું ખોટોમાં ગૂંચવાયા ને ગોથે ચડ્યા,
તારાં મારાં મનની વચ્ચે ગલી સાંકડી પહોળી કરીએ.

ઊંચી ઊંચી ઈમારતોમાં ઊંચા ઊંચા સપનાં વચ્ચે-
ક્યાં ખોવાયા મનનાં મેળા, આજે ખોળા ખોળી કરીએ.

બહું નાનો ગોળો છે દુનિયા, બહું ઓછાંમાં દુનિયા તારી,
સ્વાર્થ વગરનાં સગલાં સાથે ભેગાં થઈને ટોળી કરીએ.

ઢગલાં ઉપર બેસો તોયે જોઈએ કેટલાં? મુઠ્ઠી દાણા,
હાંફી જઈને પડવા કરતાં ઓછી ભાગાદોડી કરીએ.

– અમિત ટેલર,

[‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ ના મુખપત્ર ‘ભાષા મારી ગુજરાતી’ ત્રિમાસિકના નવેમ્બર ૨૦૨૪ નાં આંકમાં પ્રકાશિત. ૧૮/૦૯/૨૦૨૨ ના રોજ ‘લિપિ પરિવાર’ નાં પ્રથમ સ્નેહ મિલનમાં રજૂ કરી]

Continue Readingપતાવટ

કઈ રીતે?

  • Post published:01-Jan-24

સમજાવો કોઈ એમને સમજાવું કઈ રીતે,
સંપૂર્ણ દોષમુક્ત થઈ બતલાવું કઈ રીતે?

તથ્યો ભલેને ખોટા હો પણ ચર્ચા તો કરે,
ગ્રંથી જ બાંધી લે તો હું છોડાવું કઈ રીતે?

કચરું જે કંઈ પણ હશે ભડ ભડ બળી જશે,
તપ્યા વિના જ ભઠ્ઠીમાં પરખાવું કઈ રીતે?

ચક્કર ચઢે છે એમને ખોટાની ગંધથી,
મારું મહિમ્ન સ્તોત્ર તો ગાવું કઈ રીતે?

પર થઈ શક્યા ક્યાં દોષથી અવતારી જે હતાં,
એથી ઉપર તો માણસે થાવું કઈ રીતે?

– ૨૪/૧૨/૨૦૨૩

[અમદાવાદથી પ્રકાશિત દૈનિક ‘સનવિલા સમાચાર’ નાં ૩૧/૧૨/૨૦૨૩ ના અંકની ‘રંગશ્રી’ પૂર્તિમાં પ્રકાશિત.]

Continue Readingકઈ રીતે?