કામણ

  • Post published:11-Dec-23

ઉતરીને આજ જોયુ એનાં કમળનયનમાં,
આવે સુગંધ ક્યાંથી કંચન સમા વદનમાં.

કાજળ ભરેલી પાંપણ હળવેથી દ્વાર ખોલે,
ઝાંખા પડે છે ચાંદો સૂરજ નીલ ગગનમાં.

ભોંઠી પડે છે ઉષ્મા શ્રાવણની ધારની પણ,
એવો નશો નજરનાં કામણ ભર્યા નમનમાં.

સ્પર્શીને કરકમળને રોમાન્ચ કેવો આવે,
આનંદ નહીં જ આવે એ પુષ્પનાં દમનમાં.

ઓછાં હતાં શું ગાલે ખંજન થયું ઉદર પર,
આંખો ઠરીને બેઠી હૈયું બળે અગનમાં.

ફરફર કરી કરીને ઉત્તેજના વધારે,
ઉડતો નથી કહોને પાલવ કેમ પવનમાં?

– ૨૩/૦૭/૨૦૨૨

Continue Readingકામણ

ઓછી પડે

  • Post published:23-Oct-23

વાત જો એની કરું તો રાત પણ ઓછી પડે,
વૃદ્ધિ કરવા માનમાં ઔકાત પણ ઓછી પડે.

કેમની સરખામણી કરશો અમારી એમની?
સૂર્ય સામે આગિયાની નાત પણ ઓછી પડે.

કેટલાં ઉપકાર છે એનાં તમોને શું કહું,
હું જો મારી ખર્ચી નાંખું જાત પણ ઓછી પડે.

પ્રેમથી અરજી કરો તો એ ધરી દે સ્વર્ગ પણ,
ને લડો તો ઇન્દ્રની તાકાત પણ ઓછી પડે.

છોડીને સંશય નમે એને તો તરશે “કાચબા”,
પામવાને સાર સદીઓ સાત પણ ઓછી પડે.

– ૧૩/૦૭/૨૦૨૨

Continue Readingઓછી પડે

કાલે કદાચ નહીં હોય

  • Post published:16-Oct-23

આજે હતું એ કાલે કદાચ નહીં હોય,
સંધિ નસીબ સાથે કદાચ નહીં હોય.

કોને ખબર કે ક્યારે હિસાબ થાશે!
કર્મોની ઢાલ આડે કદાચ નહીં હોય.

મહેનત કરીને થાકીને બેસો ત્યારે,
વડલાની છાંય માથે કદાચ નહીં હોય.

ચોક્કસ બનાવો બંગલે એનો ઝરૂખો,
કોયલ પછી એ ડાળે કદાચ નહીં હોય,

ચાકર હશે મહેલમાં ઘણાં પરંતુ,
પ્રેમાળ દોસ્ત પાસે કદાચ નહીં હોય.

લઈને હજાર હાથો ઉભો હો સામે,
દિવ્ય નજર આ આંખે કદાચ નહીં હોય.

જે કંઈ મળ્યું એ એની પરમ કૃપા છે,
બાકીનું મારી માટે કદાચ નહીં હોય.

– ૧૪/૧૦/૨૦૨૩

Continue Readingકાલે કદાચ નહીં હોય

પરચો

  • Post published:09-Oct-23

નાનાં મોટાં ચમકારાથી હું અંજાઈશ નહીં,
એટલાંથી અંજાઈ ગયો તો તું દેખાઈશ નહીં.

હરતાં ફરતાં હાથસફાઈ કરતાં જડે ધુતારા,
ભુલકાઓને ભોળવી લઈને તું ફૂલાઈશ નહીં.

નક્કર આપે સાબિતી તો માનું કે તું સાચો,
મીઠી મીઠી વાતોમાં કંઈ હું ભોળવાઈશ નહીં.

શ્રદ્ધાનો વેપાર કરું તો લાજે કોનું નામ?
બાધા માનતા આખડીઓમાં હું બંધાઈશ નહીં.

તંદ્રામાંથી નીકળી તારે ઉત્તર દેવા પડશે,
ચાપલુસિયાઓની પંગતમાં હું ગોઠવાઈશ નહીં.

થોડી એમાં મજબૂરી છે તારી પણ હું સમજું,
પરચો તું બતલાવે નહીં તો તું પૂજાઈશ નહીં.

કરવું હો કલ્યાણ જો તારે, તો આ લોકે કરજે,
ચુક્યો તો જોજે પરલોકે તું ભટકાઈશ નહીં.

– ૧૪/૦૭/૨૦૨૨

Continue Readingપરચો

અગત્યનું શું છે?

  • Post published:02-Oct-23

વહેવારે જે થાતું હોય એ આપી દઈશું,
એમ કરીને એમનુંય પાણી માપી લઈશું.

સોથી ઉંચા સંબંધો સાચવતાં આવડે,
રાજી રહે તો કાળજુ થોડું કાપી દઈશું.

મનથી પણ મેં તો એમને મારા માન્યા છે,
એકતરફી હો તો પણ, મૂર્તિ સ્થાપી દઈશું.

થોડું અમથું છોડું તો નુકશાન નથી બહુ,
આપી દઈને છાતી સરસો ચાંપી દઈશું.

ઝાળ બળે છે અંદર, જોઈ ઉપેક્ષા એમની,
પાસે બેઠા છે સમજીને તાપી લઈશું.

શું લઈ લેશે? બે-ત્રણ ટુકડા કાગળનાં, બસ!
પરસેવો પાડીને થોડાં છાપી લઈશું.

નીંદા કરવા જ યાદ કરે છે તોયે શું છે?
એમ કરી જીવનમાં એમનાં વ્યાપી જઈશું.

– ૦૧/૧૦/૨૦૨૩

Continue Readingઅગત્યનું શું છે?