ઘાત ગઇ

  • Post published:16-Feb-21

કોઈ ઘાત હશે, ટળી ગઈ,
કોઈ દિલથી દુઆ, ફળી ગઈ,
વંટોળ થવાની હતી શક્યતા,
ડમરી થઈને શમી ગઈ.

પૂરપાટ દોડતી હતી સવારી,
શૂળ આડી નડી ગઈ,
અવરોધ એટલો પ્રચંડ લાગ્યો,
એજ જગ્યાએ ઢળી ગઈ.

અંધારિયા એ અઘોર વનમાં,
આફત માથે પડી ગઈ.
ભર બપોરે, ઠંડે પહોરે,
વાદળી કાળી ચડી ગઈ,

ઠોકર ખાઈને જ્યાં પડ્યો,
એક ફકીરની ઝૂંપડી મળી ગઈ.
અંદરથી એક સંદેશ આવ્યો,
પ્રાર્થના તમારી ફળી ગઈ.

બેવ હાથે ઉંચક્યો એમણે,
સારવાર તરત઼ મળી ગઈ.
ખાન-પાન ની વાત થાય ત્યાં,
મલમ-પાટી વળી ગઈ.

શૂળ કાઢ્યો,પાટો વાળ્યો,
વાદળી કાળી હટી ગઈ,
દુઆ કોઈની દિલથી “કાચબા”,
તારા માટે ફળી ગઈ.
કોઈ ઘાત હતી, ટળી ગઈ.

– ૦૫/૦૧/૨૦૨૧

Continue Readingઘાત ગઇ

આશીર્વાદ

  • Post published:15-Feb-21

જ્યાં સુધી, શ્વાસ છે,
તારા પર વિશ્વાસ છે,
જીવન આખામાં, મારા,
તારી જ મધુર સુવાસ છે.

મ્હાંયલો થોડો નિરાશ છે,
તારી એક જ આશ છે,
અંતરના ખૂણે ખૂણે,
તારો સોનેરી ઉજાસ છે.

નિરંતર ચાલુ પ્રવાસ છે,
મુકામ તારો નિવાસ છે,
તારા સુધી પહોચવાના રસ્તે,
તારો જ ઉજ્જવળ પ્રકાશ છે.

દિલમાં તો તારો વાસ છે,
આભા પણ ચોપાસ છે,
હું પણ તારા દિલમાં રહી શકું,
“કાચબા” એવો પ્રયાસ છે.

– ૦૫/૦૧/૨૦૨૧

Continue Readingઆશીર્વાદ

શાપિત

  • Post published:13-Feb-21

ચુંટશો નહીં ફૂલોને, લૂંટાઈ જશે કાંટા,
એકજ તો એની સાથે હસીને બોલતા’તા.

રહેતા’તા એકમેકની હુંફમાં બંને,
એકજ ડાળે કેવા, મળીને ઝૂલતા’તા.

અડકતાયે નો’તા એના કોમળ અંગોને,
ટોળે વળીને બસ ભમરાને રોકતા’તા.

ગાતી એ ગીત, ગણગણીને મધુરા,
નિસ્વાર્થ પ્રેમથી મસ્તીમાં ઝૂમતા’તા.

કચડાઈને ફૂલો તો વહાવી દેશે સુગંધ,
કાંટાને પાણીના વચનો રોક્તા’તા.

સુકાઈને મળી જશે પાંખડીઓ ખાતરમાં,
કાંટા ને તાપમાં વાડ કરવા મુક્તા’તા.

ફોરમ છોડીને મુક્ત થઇ જાશે ફૂલો,
કાંટા તો “કાચબા” શ્રાપ જીવતા’તા.

– ૦૨/૦૧/૨૦૨૧

Continue Readingશાપિત

કૃપા

  • Post published:12-Feb-21

પ્રત્યેક કવિતા સાથે, એક પ્રસંગ જોડાયેલો હોય છે,
કોઈ હસીને વળગેલો, કોઈ રડીને તરછોડાયેલો હોય છે.

ઉતાર-ચડાવ આવતા રહે છે, જીવનમાં દરરોજ,
ક્યારેક હાથ છૂટો, ક્યારેક પગ, જકડાયેલો હોય છે.

મળતા રહે છે કાયમ, કડવા-મીઠા પાત્રો,
કોઈ ઉત્સાહી મળે, તો કોઈ, અકળાયેલો હોય છે.

સમય ચાલ્યા કરે નિરંતર, એના નિર્ધારિત પથ પર,
અનુભવ જીવનનો, રસ્તા પર પથરાયેલો હોય છે.

શબ્દો નીકળે છે આપોઆપ, કલમ માંથી ત્યારે,
હૃદયનો તાર જયારે સ્યાહી સાથે, જોડાયેલો હોય છે.

ઉતરી આવે છે સીધો ટેરવે, અનંતના ગર્ભ માંથી,
એક રૂમાલ જાણે રેશમી, પથરાયેલો હોય છે.

ના પૂછો મને કે પ્રેરણા આવે છે ક્યાંથી ?
“કાચબો” ગોપનીયતાના વચનમાં બંધાયેલો હોય છે.

– ૩૧/૧૨/૨૦૨૦

Continue Readingકૃપા

એક-પાત્રી રામાયણ

  • Post published:11-Feb-21

તું જો સામે પાર જાય, હું જાતે તરીને આવું,
રામ તો હું છું નહિ, હનુમાન ક્યાંથી લાવું?..તું જો..

શ્વાસ લેતી રહેજે, તારી સુગંધ પારખી લઈશ,
તારા સગડ આપવાં, જટાયું ક્યાંથી લાવું?..તું જો..

પથરા ભેગા તો કરી લઉં, જાતે આખા ગામના,
પણ એને તરાવા પાણીમાં, નળ-નીલ ક્યાંથી લાવું?..તું જો..

હુંકાર કરું હું જાતેજ, ત્રણેય લોક ગજાવું,
દૂત કરીને મોકલવા, અંગદ ક્યાંથી લાવું?..તું જો..

વિશ્વાસ રાખું હું ઇન્દ્રિયો પર, જ્યાં પણ શંકા જાયે,
એ પાર નો ભેદ ઉકેલવા, વિભીષણ ક્યાંથી લાવું?..તું જો..

કામઠા લીધા બે હાથે, મોઢેથી પણછ ચડાવું,
હું તો અનુજ જાતે જ, લક્ષ્મણ ક્યાંથી લાવું?..તું જો..

એતો રહ્યાં અવતારી, એને હજાર અનુયાયી,
હું નાનકડો “કાચબો”, હું સેના ક્યાંથી લાવું?..તું જો..

– ૩૦/૧૨/૨૦૨૦

Continue Readingએક-પાત્રી રામાયણ