પતાવટ

You are currently viewing પતાવટ

તું ઊભો છે હું ઊભો, ફેલાવ હાથ બે ઝોળી કરીએ,
સઘળાં મનદુઃખો લઈ આવું, ચાલને મોટી હોળી કરીએ.

આજે કાલે કરતાં કરતાં વીતી ગયાં વર્ષોના વ્હાણા,
આજે મોકો આવ્યો છે તો વાત અહમને છોડી કરીએ.

હું સાચો કે તું ખોટોમાં ગૂંચવાયા ને ગોથે ચડ્યા,
તારાં મારાં મનની વચ્ચે ગલી સાંકડી પહોળી કરીએ.

ઊંચી ઊંચી ઈમારતોમાં ઊંચા ઊંચા સપનાં વચ્ચે-
ક્યાં ખોવાયા મનનાં મેળા, આજે ખોળા ખોળી કરીએ.

બહું નાનો ગોળો છે દુનિયા, બહું ઓછાંમાં દુનિયા તારી,
સ્વાર્થ વગરનાં સગલાં સાથે ભેગાં થઈને ટોળી કરીએ.

ઢગલાં ઉપર બેસો તોયે જોઈએ કેટલાં? મુઠ્ઠી દાણા,
હાંફી જઈને પડવા કરતાં ઓછી ભાગાદોડી કરીએ.

– અમિત ટેલર,

[‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ ના મુખપત્ર ‘ભાષા મારી ગુજરાતી’ ત્રિમાસિકના નવેમ્બર ૨૦૨૪ નાં આંકમાં પ્રકાશિત. ૧૮/૦૯/૨૦૨૨ ના રોજ ‘લિપિ પરિવાર’ નાં પ્રથમ સ્નેહ મિલનમાં રજૂ કરી]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. Vijay

    Very nice 👌