રસ્તાને ક્યાં ખબર છે, એ ક્યાં જાય છે,
જવું હોય જેને જ્યાં એ લઈ જાય છે,
ચાલ્યા જે કરે છે એની સાથે ચાલે,
બેસી જે રહે, બેઠાં રહી જાય છે.
પાછા પણ જો જવું હોય તો મોકલી આપે,
ધરમ છે એનો, એનું તો શું જાય છે?
નથી બાંધતો કોઈને પણ પોતાની સાથે,
છોડી દે એને એ, રખડી જાય છે.
શૂરા કોઈ કેડી પાતળી પાડી દે તો,
હસતો હસતો એમાં પણ ભળી જાય છે.
સરળ ઘણો છે ઈશ્વર કરતાં એ બાબતમાં,
જે શોધે છે એને, એ મળી જાય છે.
વ્હાલું કોઈ નથી એને “કાચબો” કે સસલો,
ચાલ્યા જે કરે છે, જીતી જાય છે.
– ૨૦/૧૧/૨૦૨૧
[રસ્તો કાયમ પોતાનું કામ પુરી નિષ્ઠાથી કરે છે… નાત જાત કે ઉંચ નીચના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સૌનું એકસરખી રીતે “પથ પ્રદર્શન” કરે છે. જે ચાલે છે એને ચલાવે છે અને બેસી રહે એને બેસાડે છે….]
👌👌👌👌👍👍✅
મન ને હર્ષ થી ભરી દેતી તમારી કવિતા રસ્તાની જેમ
ચલ્યાજ કરે છે, તર્કબંધ શબ્દો અને સુસંગત રચના.
ખૂબ સરસ રસ્તો બતાવ્યો 👍🏻