પથ્થર છે, તો પથ્થર રહે, ઈશ્વર થવાની કોશિશ ન કર,
નક્કર છે તો નક્કર રહે, નિષ્ઠૂર થવાની કોશિશ ન કર,
એક વાર જો ઈશ્વર થયો, પુરાઈ જવાશે ગર્ભમાં,
આઝાદ છે તો આઝાદ રહે, કેદ થવાની કોશિશ ન કર,
તંગી ક્યાં છે પથરાની, ગલી ગલીએ ડેરા છે,
ભારે છે તો ભલે રહે, ભાર થવાની કોશિશ ન કર,
પથરો રહીશ તો તરી જઈશ, કોઈક તો આવશે જ તારવા,
કિનારે છે તો પડ્યો રહે, ડૂબી જવાની કોશિશ ન કર,
પાછા વળતાં ધરતી પર, વીતી જાય છે યુગો યુગો,
અવતર્યો તો છે જ અહી, અવતાર થવાની કોશિશ ન કર,
ઘા ઝીલીને વેતરાઈ જઈશ, દર્દ સહીને છેતરાઈ જઈશ,
જડ છે તો જડ રહે, બહેરો થવાની કોશિશ ન કર,
હાર તોળા ગમે “કાચબા”, તોયે એ રસ્તે ચઢતો નહિ,
થવા મળે તો પાળીયો થા, મૂર્તિ થવાની કોશિશ ન કર.
– ૧૨/૦૫/૨૦૨૧