શોધતાં શોધતાં મને, મારા ઘર સુધી પહોંચી ગયા,
કર્મો મારાં, આજ મારું, સરનામું શોધી ગયા.
વેશ ઘણાં બદલ્યાં બજારે, બચવા એમની નજરથી મેં,
સીધા સામે આડા ફાટવાની, આદત પરથી ઓળખી ગયા.
નાસતો ફરતો હતો ક્યારનો, ઠેકાણાં બદલી બદલી ને,
સંતાવાનું છેલ્લું મારું, ઠેકાણુંય શોધી ગયા.
મોહલત એક પળની પણ, આપવાં હવે તૈયાર નથી,
ચોપડો લઈને આવ્યા’તા ને, સહી કરાવીને લઇ ગયા.
કરગર્યો’તો કેટલો, તોયે, એમને કોઈ જ અસર ન’તી,
મારી આગળ કરગરેલાં કોણ-કોણ, નામ એનાં દઈ ગયા.
વેચી નાંખી જાત મારી, દેવું તોય ઉતરતું નથી,
બાંગ્લા-ગાડી છૂટી ગયા, ને હાથ ખાલી રહી ગયા.
રાહ જોતા’તા “કાચબા”ની, થાકીને ઘરે આવવાની,
ઘાત લગાવીને બેઠા’તા, ને તરાપ મારીને લઇ ગયા.
– ૧૧/૦૨/૨૦૨૧