થાપ ખાઈ જવાય છે, સમયની ચાલ સમજવામાં,
ગોથું ખાઈ જવાય છે, સમયની ચાલ સમજવામાં,
રાજ્યાભિષેક ના દહાડે, જાવું પડે છે વનમાં,
માત ખાઈ જવાય છે, સમયની ચાલ સમજવામાં,
અમર થઈને, કણસવું પડે છે અશ્વત્થામા,
ઠોકર ખાઈ જવાય છે, સમયની ચાલ સમજવામાં,
કિન્નર ના હાથે મોત મળે છે મહાબળીને,
માર ખાઈ જવાય છે, સમયની ચાલ સમજવામાં,
પુરુષોત્તમ પણ વાર કરી જાય જાળ રચીને,
ગુલાંટી ખાઈ જવાય છે, સમયની ચાલ સમજવામાં,
અઘોરીના દીકરા રણે ચઢે છે શસ્ત્ર ધરીને,
તમાચો ખાઈ જવાય છે, સમયની ચાલ સમજવામાં,
સમશાને મડદાં બાળે છે એ રાજા સૂર્યવંશી,
આંચકો ખાઈ જવાય છે, સમયની ચાલ સમજવામાં,
તરી જાય છે પથરાં, ને ડુબી જાય છે “કાચબા”,
આંટી ખાઈ જવાય છે, સમયની ચાલ સમજવામાં.
(દરેક શેર માં એક મહાબળી એ ખાધેલી સમયની થપાટની વાત છે ૨-રામ, ૩-અશ્વત્થામા, ૪-ભીષ્મ, ૫-વાલી, ૬-તારકાસુર અને ૭-હરિશ્ચન્દ્ર)