પરીક્ષા કરે એ, પરિણામ પણ આપે છે,
દોડાવે દિવસે, રાતે વિરામ પણ આપે છે.
મંથન કરીને કાઢવા, અમૃત, હળાહળ, કંઈ પણ,
શાંત, એ, દરિયામાં તોફાન પણ આપે છે.
વંટોળે ખેરવે એ ઝાડવાં ને ઝાંખરા, તો
વાળવા ને કાપવાનું કામ પણ આપે છે.
તપાવે ભઠ્ઠીમાં ને લાલચોળ કલેડે*,
મીઠો એ રોટલો ઈનામ પણ આપે છે.
મૃગજળોના ટોળામાં મળી જાય કૈંક વીરડા,
અસ્તિત્વનું કોઈવાર એ પ્રમાણ પણ આપે છે.
બાળીને કરે ભષ્મ, ને ભેળવી દે માટીમાં,
માટીને પછી જીવનનું વરદાન પણ આપે છે.
મુક્યો છે “કાચબા” છુટ્ટો તને તરવા, પણ-
થોડું એ તારા પર ધ્યાન પણ આપે છે. …પરીક્ષા કરે૦
– ૨૪/૦૨/૨૦૨૨
*કલેડું – માટીની તાવી
શિષ્ય અને ગુરૂ વિશે નું અદભુત મનોમંથન,
શિક્ષક નું સંપૂર્ણ સન્માન તે પણ ( કવિતા ) ના રૂપમાં.
Khub Saras Rachna