શૂળ

You are currently viewing શૂળ

પસંદ મને કોઈ કરતુ નથી,
ધ્યાને મને કોઈ ઘરતું નથી,
થાતી હોય કિંમત કળીની બજારમાં,
મારી કોડીનીયે કરતું નથી …..પસંદ મને કોઈ કરતુ નથી.

ઘડ્યો છે એવો મને ઘડનારે,
રંગો ના ભર્યા મારે પનારે,
મધુ ને ગમતી મીઠી સુગંધનું,
ઝરણુંય મુંજ માંથી ઝરતું નથી …..પસંદ મને કોઈ કરતુ નથી.

ડહાપણ નથી કોઈ મારામાં ભર્યું,
ભલું પણ સહેજેય઼ ના કોઈનું કર્યું,
ઘાયલ ના થઇ જાય અતિ ઉત્સાહે,
મને કોઈ પ્રિયતમને ઘરતું નથી …..પસંદ મને કોઈ કરતુ નથી.

કાયા ના કામણ દિવા-સ્વપન,
કેવા મિત્રો ને કેવા સ્વજન,
તણખલે પાંખડીએ છૂટથી રમતું,
ઝાકળ પણ મારા પર ઠરતું નથી …..પસંદ મને કોઈ કરતુ નથી.

ચકલી તો મારાથી ડઘાઈને ભાગે,
પતંગીયા ને જાણે દાવાનળ લાગે,
આંકડા ને કાંકરા ખાતું જે મોજે,
બકરું ય કાળું મને ચરતું નથી …..પસંદ મને કોઈ કરતુ નથી.

હું ક્યાં સામેથી કોઈને લડું છું?
સીધા જનારા઼ ને હું ક્યાં નડું છું?
અડીખમ ઉભો છું ફરજ પર “કાચબા”,
કર્યા વગર કોઈ ભરતું નથી …..પસંદ મને કોઈ કરતુ નથી.

– ૨૯/૧૧/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply