કોઈ છંદ કે નિશ્ચિત લય રહિત કવિતાઓ

સંવાદે સંયમ

  • Post published:08-Jul-21

ઓછું બોલ,
પણ, મીઠું બોલ,

મીઠું કદી,
અસત્ય ના બોલ,

સત્ય બોલ,
ના કડવું બોલ,

બોલે તો, ના,
મોટેથી બોલ,

મોટેથી બોલ,
તો પ્રશંસા બોલ,

પ્રશંસા કોઈની,
ખોટી ના બોલ,

ખરું બોલ,
તો નિર્ભિક બોલ,

ભયમાં કોઈનું,
નામ ના બોલ,

નામ બોલ,
તો તારું બોલ,

બીજાનો ભેદ,
કદી ના બોલ,

જ્યારે બોલ,
જરુર પૂરતું બોલ,

નહીંતર “કાચબા”,
કશું ન બોલ.

ઓછું બોલ..
મીઠું બોલ…
નહીંતર “કાચબા”…
કશું ન બોલ.

– ૨૩/૦૫/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingસંવાદે સંયમ

મોકળો માર્ગ

  • Post published:08-Jun-21

લે, ભલે, તું આગળ નીકળ,
જો એમાં આનંદ મળતો હોય,
કહેજે મને જ તું બેધડક,
જો મારો છાંયો નડતો હોય,

માથે લઈને ચાલીશ નહીં,
જો મનમાં ચરુ ઉકળતો હોય,
પશ્ચાતાપનું પાણી રેડ,
જો અપરાધ કોઈ કનડતો હોય,

હું પણ ઘટતું પૂરું કરીશ,
જો પ્રભાવ મારો પડતો હોય,
ઝાંખો થઈને દીવો થઈશ,
જો સિતારો તારો ચઢતો હોય.

હું તો ખસી જઉં બાજુમાં,
જો ગોળો તારો ગબડતો હોય,
“કાચબા” રહીશ તોય હાથવગો,જો
કદાચ તું ક્યાંયે લથડતો હોય.

– ૨૧/૦૪/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingમોકળો માર્ગ

ઉકળાટ

  • Post published:31-May-21

કહી દેજે તારા સુરજને,
બહુ ગરમી ના કરે,
એની હદમાં રહે,
મને આડો ના નડે,
ચુપચાપ ઠંડો પડે,

ગરમી કરવી હોય,તો બીજે કરે,
મારી સામે નહીં ચાલે,
શાનમાં સમજી જાય તો ઠીક,
નહિંતર એનો રસ્તો કરતા મને આવડે છે,

હું વાદળાં બોલાવી લઈશ,
એને આખો ઢાંકી દઈશ,
બિલકુલ ઝાંખો કરી દઈશ,
એની હયાતી ભૂલાવી દઈશ,

એને કહી દેજે “કાચબા”,
થોડો સભ્ય બને,
જરા અદબ જાળવે
નજર નીચી રાખે,

આજે મારા એ નીકળવાના છે,
મને મળવા આવવાના છે.

– ૨૯/૦૩/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingઉકળાટ

માર્ગદર્શક

  • Post published:19-May-21

રસ્તો ભટકી જાઉં –
તું ત્યારે આવજે,
આંગળી ચીંધજે,
રસ્તો બતાવજે,

તો જ –
તને કોઈ પૂછશે,
તારી કદર થશે,
તને આદર મળશે,

જાણીતા રસ્તે મળીશ તો –
તને ઓળખું પણ નહીં,
સરખુ બોલું પણ નહીં,
સામું જોઉં પણ નહીં,

કારણકે –
હું તો મારી મસ્તી માં હોઈશ,
સામર્થ્ય ના મદમાં હોઈશ,
સફળતા ના નશામાં હોઈશ.

જેવો ભટકું “કાચબા” –
કે, તું તરત આવજે,
કાન મરડજે,
ભાનમાં લાવજે.

રસ્તો ભટકી જાઉં, તું ત્યારે જ આવજે.

– ૦૯/૦૩/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingમાર્ગદર્શક

શુભારંભ

  • Post published:09-May-21

કંઈક નવું કરવાના વિચાર સાથે ઉઠે છે,
એને પાર પાડવાને યોજનાઓ ગૂંથે છે,

રોજનો તારો ક્રમ તોડે છે,
કંઈક મનગમતું છોડે છે,
સંકલ્પ લીધો જોડે છે,
એને પામવાને દોડે છે,

પહેલા જ પગથિયે ગૂંચવાય છે,
ઠોકર લાગીને પડી જાય છે,
ઉઠીને ફરી દોડવા જાય છે,
પગમાં જ અટવાઈને રહી જાય છે.

સવાલ-જવાબનો દોર શરુ થાય છે,
પારો સાતમે આકાશ ચડી જાય છે,
પગથિયાની ખબર લેવાઈ જાય છે,
એમાં પેલો સંકલ્પ ખોવાઈ જાય છે.

માથે હાથ દઈને હવે બેસી જાય છે,
પગથિયાંને કોસતા સમય વહી જાય છે.

કશું જ સમજી શકતો નથી,
આંસુ રોકી શકતો નથી,
પૂરું કરી પણ શકતો નથી,
એને છોડી પણ શકતો નથી.

થાકી-હારીને બેસી જાય છે?
તને કશું સમજાય છે?
એ તો તારી પરીક્ષા હતી  “કાચબા”,
તું પહેલા જ કોઠે હારી જાય છે?

– ૨૫/૦૨/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingશુભારંભ