સ્ત્રી જીવન, પ્રેમ, સંઘર્ષ, ઉપલબ્ધી, માતૃત્વ વગેરે, સ્ત્રી-લક્ષી વિચારોની કવિતાઓ

કામણ

  • Post published:11-Dec-23

ઉતરીને આજ જોયુ એનાં કમળનયનમાં,
આવે સુગંધ ક્યાંથી કંચન સમા વદનમાં.

કાજળ ભરેલી પાંપણ હળવેથી દ્વાર ખોલે,
ઝાંખા પડે છે ચાંદો સૂરજ નીલ ગગનમાં.

ભોંઠી પડે છે ઉષ્મા શ્રાવણની ધારની પણ,
એવો નશો નજરનાં કામણ ભર્યા નમનમાં.

સ્પર્શીને કરકમળને રોમાન્ચ કેવો આવે,
આનંદ નહીં જ આવે એ પુષ્પનાં દમનમાં.

ઓછાં હતાં શું ગાલે ખંજન થયું ઉદર પર,
આંખો ઠરીને બેઠી હૈયું બળે અગનમાં.

ફરફર કરી કરીને ઉત્તેજના વધારે,
ઉડતો નથી કહોને પાલવ કેમ પવનમાં?

– ૨૩/૦૭/૨૦૨૨

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingકામણ

આવજો

  • Post published:18-Jul-23

એનાં મનમાં શું છે મેં ધારી લીધેલું,
દડદડતુ આંસુ એણે વાળી લીધેલું.

હસતાં મોઢે ના કહેવા આવે એ પહેલાં,
કાંડા પર ચાઠું એણે પાડી લીધેલું.

માથું નીચું રાખીને સાંભળતા રહેતા,
કહેવા જેવું તો દાંતે ચાવી લીધેલું.

આંખો એણે છેક સુધી કોરી રાખીને,
મકક્મ રહી લીધેલું પ્રણ પાળી લીધેલું.

સ્મૃતિઓનાં અસ્થિ પણ પધરાવી દીધાં,
મન તો એણે પહેલેથી મારી લીધેલું.

કોરી પોથી લાવી સામે મુકી દીધી,
કહેવાનું પાનું એણે ફાડી લીધેલું.

લાખ જતન કરતા પણ છુંદણું ઢંકાયું નહીં,
પાલવ નીચે નામ હતું, ભાળી લીધેલું.

– ૧૮/૦૭/૨૦૨૩

[ના તો હાથ ઉપડતો હોય છે ના જીભ ઉપડતી હોય છે; સીધાં, સાદા, અને સરળ લાગતાં “આવજો” ઘણીવાર બહું અઘરાં પડતાં હોય છે….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingઆવજો

રહસ્ય

  • Post published:06-Mar-23

અહીં કોણ કોનાં ઈશારે ચાલે છે, બધાને ખબર છે,
વર્ષોથી ઘેર ઘેર આમજ ચાલે છે, બધાને ખબર છે.

રામે ઘડીને માટીના મૂકી દીધા છે રમતાં, પણ કોણ –
ભરાવે ચાવી ને રમકડું ક્યારે ચાલે છે, બધાને ખબર છે.

જોડી દીધાં છે પૈડાં બે, એક મોટું ને એક નાનું,
હાલક ડોલક ગાડું કેમ કરીને ચાલે છે, બધાને ખબર છે.

ડંફાસો મારે કે હું એક મારી મરજીથી ચાલુ છું, એને-
જવું હોય જમણે, ને કેમ ડાબે ચાલે છે, બધાને ખબર છે.

નથી કોઈ બંધન કે ધાક સોટીનો, સૌ બોલે તો છે,
ખીંટે બાંધેલું ડોબું કેવું ને ક્યાં લગ ચાલે છે, બધાને ખબર છે.

એ પણ એટલો જ નિઃસહાય છે જેનો તું અવતાર છે “કાચબા”,
એ વૈકુંઠનો વ્યવહાર પણ લક્ષ્મીથી ચાલે છે, બધાને ખબર છે.

– ૦૩/૦૫/૨૦૨૨

[બોલવા ખાતર તો લોકો બધું બહું બોલે છે, મોટી મોટી ડંફાસો મારે છે કે એનાં ઘરમાં એનો કેવો દબદબો છે. પણ ખરેખર સંસારમાં કોનું ચાલે છે એ કોઈ ગૂઢ “રહસ્ય” નથી. બહારથી ભલે કોઈ ગમે તે બોલે, પણ અંદરથી તો એને પોતાને પણ ખબર જ છે કે ઘરમાં કોનું ચાલે છે….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingરહસ્ય

સહિષ્ણુ

  • Post published:06-Feb-23

ફરક તો એમનેય પડશે જરૂર,
આવીને અમને એ મળશે જરૂર.

લઈને જ આવશે એ લેખાં ને જોખાં,
હક છે એ એમનો એ વઢશે જરૂર.

જાણું છું એમનો સ્વભાવ છે કેવો,
થોડીક તો બાંધછોડ કરશે જરૂર.

સંબંધ જ એવો છે વર્ષો પુરાણો,
શરમ બે આંખોની નડશે જરૂર.

ખબર અમારી એ પુરી જ રાખે,
જખ્મો નું ઠેકાણું જડશે જરૂર.

અંદરથી જાણે કે નાળિયેર જેવાં છે,
નક્કી છે ડૂસકું તો ભરશે જરૂર.

“કાચબા”ને તકલીફમાં જોઈ કણસતો,
એમનીય અંદર કંઈ બળશે જરૂર. … ફરક તો૦

– ૨૬/૦૪/૨૦૨૨

[એ ભલેને ગમે તેટલો અક્કડ રહેવાનો, હોવાનો કે દેખાવાનો અભિનય કરે, પણ હું જાણું છું કે અંદરથી એ કેટલો નરમ છે, કેટલો “સહિષ્ણુ” છે. એ છોને ગમે તેવું આકરું બોલે, જરાંય ગભરાવાની જરૂર નથી,  એનાથી સ્હેજ પણ નફ્ફટ થવાશે નહીં, એટલું નક્કી છે…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingસહિષ્ણુ

પાછો ફરીશ(?)

  • Post published:02-Feb-23

આવજો તો કહી દીધું, પણ શું ખબર એ આવશે?
હા વચન તો લઈ લીધું, પણ શું ખબર એ આવશે?

જોઈ લીધો છે મેં એની આંખમાં શંશય જરા,
એમણે તો કહી દીધું, પણ શું ખબર એ આવશે?

આ ધ્રુજારી આજથી પહેલાં તો એમને થઈ નથી,
થાક ની છે કહી દીધું, પણ શું ખબર એ આવશે?

આવવાનાં હોય તો આ ભેટ શાને દઈ ગયાં?
મારું પણ કંઈ લઈ લીધું, પણ શું ખબર એ આવશે?

મ્હેલ ચણવા જાય છે એવું જ કીધું એમણે,
માપ મારુ લઈ લીધું, પણ શું ખબર એ આવશે?

ગીરવે કંઈ છે નથી ને કોઈ જામીન પણ નથી,
કોરું કાગળ લઈ લીધું, પણ શું ખબર એ આવશે?

મન નથી ને માનતું પણ, શું કરું હું “કાચબા”,
ઘૂંટ કડવું પી લીધું, પણ શું ખબર એ આવશે?

– ૨૨/૦૪/૨૦૨૨

[વચન તો બહુ ઉદાર હાથે આપે છે કે બહું જલ્દી “પાછો ફરીશ”, પણ તારું આ વર્તન જોઈને મને શંકા પડે છે કે વાત કંઈક અલગ જ છે, એટલે જ પૂછું છું, સાચે સાચું કહી દે, “પાછો ફરીશ?”]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingપાછો ફરીશ(?)