સમજાવજે
શબ્દ હું ગોખી લઈશ, બસ અર્થ તું સમજાવજે,
આતમા-પરમાતમા નો ફર્ક તું સમજાવજે.
જ્યાં કહે જેવું કહે તું કર્મ હું કરતો રહીશ,
સારથી થઈ સગપણોનો મર્મ તું સમજાવજે.
તેં ચીંધેલા માર્ગ પર હું આંધળો ચાલ્યા કરીશ,
ધરતી ઉપર ક્યાં મળે છે સ્વર્ગ તું સમજાવજે.
માર્ગથી ભટકું હું ત્યારે ઓટલો તારો ચઢું,
સીધે રસ્તે ક્યાં મળે ઉત્કર્ષ તું સમજાવજે.
ધર્મને બંધન ગણું કે ઉન્નતિ નો માર્ગ છે,
બાંધવું કે છોડવું છે ધર્મ તું સમજાવજે.
દીવડો રાતે બળીને સૂર્યની જગ્યા ભરે,
બેવમાંથી કોણ છે આદર્શ તું સમજાવજે.
શબ્દના ઉપયોગમાં પણ શસ્ત્ર જેવો ઘાવ છે,
આ મને કોનો થયો છે સ્પર્શ તું સમજાવજે.
– ૨૭/૦૯/૨૦૨૨
[અમદાવાદથી પ્રકાશિત દૈનિક ‘સનવિલા સમાચાર’ ના ૧૭/૦૩/૨૦૨૪ ના અંકની ‘રંગશ્રી’ પૂર્તિની ‘ગઝલ’ કોલમમાં પ્રકાશિત]