પ્રેમરસ ની કવિતાઓ

કઈ રીતે?

  • Post published:01-Jan-24

સમજાવો કોઈ એમને સમજાવું કઈ રીતે,
સંપૂર્ણ દોષમુક્ત થઈ બતલાવું કઈ રીતે?

તથ્યો ભલેને ખોટા હો પણ ચર્ચા તો કરે,
ગ્રંથી જ બાંધી લે તો હું છોડાવું કઈ રીતે?

કચરું જે કંઈ પણ હશે ભડ ભડ બળી જશે,
તપ્યા વિના જ ભઠ્ઠીમાં પરખાવું કઈ રીતે?

ચક્કર ચઢે છે એમને ખોટાની ગંધથી,
મારું મહિમ્ન સ્તોત્ર તો ગાવું કઈ રીતે?

પર થઈ શક્યા ક્યાં દોષથી અવતારી જે હતાં,
એથી ઉપર તો માણસે થાવું કઈ રીતે?

– ૨૪/૧૨/૨૦૨૩

[અમદાવાદથી પ્રકાશિત દૈનિક ‘સનવિલા સમાચાર’ નાં ૩૧/૧૨/૨૦૨૩ ના અંકની ‘રંગશ્રી’ પૂર્તિમાં પ્રકાશિત.]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingકઈ રીતે?

કામણ

  • Post published:11-Dec-23

ઉતરીને આજ જોયુ એનાં કમળનયનમાં,
આવે સુગંધ ક્યાંથી કંચન સમા વદનમાં.

કાજળ ભરેલી પાંપણ હળવેથી દ્વાર ખોલે,
ઝાંખા પડે છે ચાંદો સૂરજ નીલ ગગનમાં.

ભોંઠી પડે છે ઉષ્મા શ્રાવણની ધારની પણ,
એવો નશો નજરનાં કામણ ભર્યા નમનમાં.

સ્પર્શીને કરકમળને રોમાન્ચ કેવો આવે,
આનંદ નહીં જ આવે એ પુષ્પનાં દમનમાં.

ઓછાં હતાં શું ગાલે ખંજન થયું ઉદર પર,
આંખો ઠરીને બેઠી હૈયું બળે અગનમાં.

ફરફર કરી કરીને ઉત્તેજના વધારે,
ઉડતો નથી કહોને પાલવ કેમ પવનમાં?

– ૨૩/૦૭/૨૦૨૨

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingકામણ

અગત્યનું શું છે?

  • Post published:02-Oct-23

વહેવારે જે થાતું હોય એ આપી દઈશું,
એમ કરીને એમનુંય પાણી માપી લઈશું.

સોથી ઉંચા સંબંધો સાચવતાં આવડે,
રાજી રહે તો કાળજુ થોડું કાપી દઈશું.

મનથી પણ મેં તો એમને મારા માન્યા છે,
એકતરફી હો તો પણ, મૂર્તિ સ્થાપી દઈશું.

થોડું અમથું છોડું તો નુકશાન નથી બહુ,
આપી દઈને છાતી સરસો ચાંપી દઈશું.

ઝાળ બળે છે અંદર, જોઈ ઉપેક્ષા એમની,
પાસે બેઠા છે સમજીને તાપી લઈશું.

શું લઈ લેશે? બે-ત્રણ ટુકડા કાગળનાં, બસ!
પરસેવો પાડીને થોડાં છાપી લઈશું.

નીંદા કરવા જ યાદ કરે છે તોયે શું છે?
એમ કરી જીવનમાં એમનાં વ્યાપી જઈશું.

– ૦૧/૧૦/૨૦૨૩

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingઅગત્યનું શું છે?

આવજો

  • Post published:18-Jul-23

એનાં મનમાં શું છે મેં ધારી લીધેલું,
દડદડતુ આંસુ એણે વાળી લીધેલું.

હસતાં મોઢે ના કહેવા આવે એ પહેલાં,
કાંડા પર ચાઠું એણે પાડી લીધેલું.

માથું નીચું રાખીને સાંભળતા રહેતા,
કહેવા જેવું તો દાંતે ચાવી લીધેલું.

આંખો એણે છેક સુધી કોરી રાખીને,
મકક્મ રહી લીધેલું પ્રણ પાળી લીધેલું.

સ્મૃતિઓનાં અસ્થિ પણ પધરાવી દીધાં,
મન તો એણે પહેલેથી મારી લીધેલું.

કોરી પોથી લાવી સામે મુકી દીધી,
કહેવાનું પાનું એણે ફાડી લીધેલું.

લાખ જતન કરતા પણ છુંદણું ઢંકાયું નહીં,
પાલવ નીચે નામ હતું, ભાળી લીધેલું.

– ૧૮/૦૭/૨૦૨૩

[ના તો હાથ ઉપડતો હોય છે ના જીભ ઉપડતી હોય છે; સીધાં, સાદા, અને સરળ લાગતાં “આવજો” ઘણીવાર બહું અઘરાં પડતાં હોય છે….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingઆવજો

પાછો ફરીશ(?)

  • Post published:02-Feb-23

આવજો તો કહી દીધું, પણ શું ખબર એ આવશે?
હા વચન તો લઈ લીધું, પણ શું ખબર એ આવશે?

જોઈ લીધો છે મેં એની આંખમાં શંશય જરા,
એમણે તો કહી દીધું, પણ શું ખબર એ આવશે?

આ ધ્રુજારી આજથી પહેલાં તો એમને થઈ નથી,
થાક ની છે કહી દીધું, પણ શું ખબર એ આવશે?

આવવાનાં હોય તો આ ભેટ શાને દઈ ગયાં?
મારું પણ કંઈ લઈ લીધું, પણ શું ખબર એ આવશે?

મ્હેલ ચણવા જાય છે એવું જ કીધું એમણે,
માપ મારુ લઈ લીધું, પણ શું ખબર એ આવશે?

ગીરવે કંઈ છે નથી ને કોઈ જામીન પણ નથી,
કોરું કાગળ લઈ લીધું, પણ શું ખબર એ આવશે?

મન નથી ને માનતું પણ, શું કરું હું “કાચબા”,
ઘૂંટ કડવું પી લીધું, પણ શું ખબર એ આવશે?

– ૨૨/૦૪/૨૦૨૨

[વચન તો બહુ ઉદાર હાથે આપે છે કે બહું જલ્દી “પાછો ફરીશ”, પણ તારું આ વર્તન જોઈને મને શંકા પડે છે કે વાત કંઈક અલગ જ છે, એટલે જ પૂછું છું, સાચે સાચું કહી દે, “પાછો ફરીશ?”]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingપાછો ફરીશ(?)