પ્રકૃતિના સૌંદર્ય અને લાલિમાને ઉજાગર કરતી કવિતાઓ
એ નહીં ઈચ્છે અગર તો પાંદડું હલતું નથી,તું જ નક્કી કર કે તારું કામ કાં ફળતું નથી. જ્યાં સુધી આવે નહીં ને માર્ગમાં કોઈ અડચણો,ત્યાં સુધી કોઈ ભાગ્ય શું, ઈશ્વરને પણ ગણતું નથી. પૂર્ણ તૈયારી કરી'તી કે તિલક કાલે કરે,એ પ્રમાણે પણ અયોધ્યામાં કશું બનતું નથી. નહીં હશે વિશ્વાસ એથી મહેલ ચણ્યો લાખનો,નહીં તો કંઈ એવું નથી કે લાકડું બળતું નથી. લક્ષ્ય ચૂકે તો હવાનો પાડ તારે માનવો,પારધીનું તીર બાકી માર્ગથી હટતું નથી. કર્મ કંઈક ને કંઈક તો કરવા પડે છે નહીં તો અહીં,સ્વર્ગની તો વાત છોડો નર્ક પણ મળતું નથી. હાથ એનાં પણ હશે બંધાયેલા કોને ખબર,એને પણ કરવું પડે છે જે એને ગમતું નથી. - ૧૩/૦૯/૨૦૨૩ [રોજે રોજ, હર હંમેશ, દરેક ક્ષણે, દરેક સ્થળે, કોઈ ને કોઈ દ્વારા, કંઈક ને કંઈક થતું રહે છે, ઘટતું રહે છે, બનતું રહે છે; અને એમાંનું કશું પણ કરવું કે એને કરતાં કે થતાં રોકવું એ આપણાં કોઈનાં પણ હાથમાં નથી. જે થવાનું નિહિત છે એ નક્કી ઘટિત થઈને જ રહેશે, કોઈ કશું કરી શકવાનું નથી.]
વાદળ ગુમ છે, વીજ નથી, જાણે ભાદરવો લાવી છે, આ તે કેવી કોરે કોરી આઠમ આજે આવી છે! તળિયે બેઠાં યમુનાજીનાં જળ એવી અવઢવમાં છે, નાગણીઓએ હઠ પકડી છે રાગિણીઓ ગાવી છે. ગોપીઓએ ગલીએ ગલીએ મહીની મટકી બાંધી છે, તપતી શેરીએ ગોવાળોની પાની સળગાવી છે. મોર અધિરાં થઈને પૂછે મુરત ટહુકા કરવાનું, પીંછું લઈને હોંશે એણે કલગી એક સજાવી છે. નંદ નગરમાં ઉત્સવનો ઉમંગ અધુરો લાગે છે, હિંડોળાએ થોડું ભીંજાવાની આશ લગાવી છે. - ૦૬/૦૯/૨૦૨૩ [છેલ્લા એક-દોઢ મહિનાથી બિલકુલ વરસાદ જ નથી અને ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે પણ વરસાદનાં કોઈ એંધાણ નથી; અને જન્માષ્ટમી સાવ કોરે કોરી જાય એવું તો કંઈ ચાલે? એટલે કાનુડાને કમસેકમ જન્માષ્ટમીનાં દિવસે તો વરસાદ પાડ, એવી મીઠી ફરિયાદ કરતી આ ગઝલ. હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી 🙏🏻 નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી 🙏🏻]
રોજ સવારે નવી આશા લઈને જાઉં છું,રોજ સાંજે એજ નિરાશા લઈને આવું છું. આજે જ હશે એ દી' જેની પ્રતીક્ષા છે,ઊઠતાં બેસતાં એક જ ગાણું ગાઉં છું. બીજ એક સપનાનું વાવ્યું, આંબો કરવાં-પાણી એને પરસેવાનું પાઉં છું. એક નજરમાં મોહિત થઈને દોડી આવે,વારે વારે કેશ કલાપ સજાઉં છું. પાસે રાખી નિરખવો એને મન ભરીને,પાટલે બેસતી ધૂળ સતત હટાવું છું. અનુભવ એ હશે જ કેવો રોમાંચકારી,વિચારે એનાં મંદ મંદ હરખાઉં છું. કરી નેજવું* ઉંબરે ઉભો વાટ નિહાળું,અધીરો એને જોવા "કાચબા" થાઉં છું. *નેજવું - આંખ ઉપર છાપરા જેમ હથેળીઓ રાખી જોવું - ૨૦/૦૪/૨૦૨૨ [એને જોવા માટે, એને મળવા માટે, વર્ષો સુધી તપસ્યા કરી છે. અને આજે જ્યારે એ ઘડી એકદમ નજીક આવી ગઈ છે ત્યારે મારી "ધીરજ ખૂટી" છે. હવે એક એક ક્ષણ જાણે એક એક વર્ષ લાગે છે...]
પથ્થરમાં જો ઈશ્વર હોય, તો કોઈ એને ફેંકે છે કેમ?ને એ જો એટલો દયાળુ હોય, તો માથે પડે છે કેમ? વર્ષોની તપસ્યા પછી જ કોઈને મળતો હોય તો,જેને જોઈએ એને રસ્તે રઝળતો મળે છે કેમ? જેને મળે એનો તો ઉદ્ધાર થઈ જાય ને, તો પછી-જેના હાથમાં હોય એનાં વિચારો ભ્રષ્ટ કરે છે કેમ? ધરમના માર્ગે ચાલે એનો ઘોડો એ હંકારે તો-એનાં નામ પર નીકળેલાં, માર્ગથી ભટકે છે કેમ? પથ્થર તો જાતે ઘા સહી લે, ને એક હરરફ* પણ ના બોલે, તો-કોઈને હાથે ચડીને "કાચબા" એ પથ્થર તોડે છે કેમ? પથ્થરમાં૦ *(પીડાને કારણે કે દયા માંગવા માટે કરેલો) ઉદ્દગાર - ૧૯/૦૪/૨૦૨૨ [ઘણીવાર મનમાં એવો વિચાર આવે કે શું ખરેખર એ પથ્થર છે કે ઈશ્વર? પથ્થરમાં ઈશ્વર છે કે ઈશ્વર જ પથ્થર છે? જો પથ્થરમાં ઈશ્વર હોય તો લોકો પથ્થર ફેંકે છે કેમ?]
સાથે રહીને પણ ભેગાં થઈ નથી શકતાં,ટેરવાં, ટેરવાંથી આગળ જઈ નથી શકતાં. પરિચિતોની ભીડમાં પણ નજરો એને શોધે,શું ખોવાયું છે એ કોઈને કહી નથી શકતાં. જ્વાળાઓમાં લપટાયેલા જુએ લાચાર થઈને,ઠંડક કરવાં બાથમાં એમને લઈ નથી શકતાં. બેવ અજાણ્યા અહીં અચાનક ભેગા કેમ થયાં,ગળે ઉતરી જાય એવું બ્હાનું દઈ નથી શકતાં. નજીક જે લાવ્યો આજે, કાલે ભેગાં કદાચ કરે,ઝેર પણ "કાચબા" એ આશાએ ખઈ નથી શકતાં. - ૧૮/૦૪/૨૦૨૨ [દરેકનાં મનમાં કંઈ કેટલું બધું કરવાની ઈચ્છાઓ હોય છે, પણ કોઈને કોઈ કારણોસર મોટા ભાગની ઈચ્છાઓ મારવી પડે છે. મુક્ત ગગનમાં સૌ કોઈને વિચરવું છે પણ એક અદ્રશ્ય "બંધન" સૌને કોઈ પાંજરામાં બાંધી રાખે છે...]