જીવનના ગૂઢ, દાર્શનિક પાસાને રજુ કરતી કવિતાઓ

જશે

  • Post published:25-Mar-24

આ સમય પળવારમાં વીતી જશે,
જીતશે જે દોડતાં શીખી જશે.

એક જણ એવી રીતે હરખાય કે-
કોઈ આવી ઘાવ પણ સીવી જશે.

કાંકરા પાણી તળે કચડાય છે,
ડૂબવાની ત્યાં સુધી ભીતિ જશે.

સાતમા આકાશથી ઉપર સુધી,
મહેનતુનાં નામની લીટી જશે.

સંતતિનાં પાપ પણ પુચકારતા-
આંધળાના રાજમાં નીતિ જશે.

– ૧૧/૧૦/૨૦૨૨

[અમદાવાદથી પ્રકાશિત દૈનિક ‘સનવિલા સમાચાર’ ના ૨૪/૦૩/૨૦૨૪ ના‌ અંકની ‘રંગશ્રી’ પૂર્તિની ‘ગઝલ’ કોલમમાં પ્રકાશિત]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingજશે

નહીં કરું

  • Post published:19-Feb-24

ભાંગી જઈને ભક્તિ તારી આ ભવે તો નહીં કરું,
શું સજાનો ભય બતાવે? જા હવે તો નહીં કરું.

હા હશે, બીજાં ભલે ભયથી તને નમતાં હશે,
કૅરની બીકે નમન શ્રદ્ધા વડે તો નહીં કરું.

સામસામે જો કરે ચર્ચા તો હું તૈયાર છું,
વારે વારે દ્વાર પર પડદા પડે તો નહીં કરું.

મંદ સ્વર, નીચી નજર, વિનમ્રતા મારી હતી,
પણ મને નબળો ગણી માથે ચડે તો નહીં કરું.

માંગવાની વાત ક્યાં આવી, એ મારો હક હતો,
લઈ લઈશ પુરુષાર્થથી અરજી તને તો નહી કરું.

ફાવ્યું ના ગાંડીવ ત્યારે વાત સંધીની હવે?
સારથી પણ જો સ્વયં યુદ્ધે ચઢે તો નહીં કરું.

તું કહે તો હું સમર્પણ પણ કરીશ, પણ જો મને-
ધર્મ ને સિદ્ધાંત મારાં ના કહે તો નહીં કરું.

– ૩૦/૦૮/૨૦૨૨

[અમદાવાદથી પ્રકાશિત ‘સનવિલા સમાચાર’ નાં ૧૮/૦૨/૨૦૨૪ ના અંકની ‘રંગશ્રી’ પૂર્તિમાં ‘ગઝલ’ કોલમમાં પ્રકાશિત]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingનહીં કરું

હાથમાં નથી

  • Post published:17-Sep-23

એ નહીં ઈચ્છે અગર તો પાંદડું હલતું નથી,
તું જ નક્કી કર કે તારું કામ કાં ફળતું નથી.

જ્યાં સુધી આવે નહીં ને માર્ગમાં કોઈ અડચણો,
ત્યાં સુધી કોઈ ભાગ્ય શું, ઈશ્વરને પણ ગણતું નથી.

પૂર્ણ તૈયારી કરી’તી કે તિલક કાલે કરે,
એ પ્રમાણે પણ અયોધ્યામાં કશું બનતું નથી.

નહીં હશે વિશ્વાસ એથી મહેલ ચણ્યો લાખનો,
નહીં તો કંઈ એવું નથી કે લાકડું બળતું નથી.

લક્ષ્ય ચૂકે તો હવાનો પાડ તારે માનવો,
પારધીનું તીર બાકી માર્ગથી હટતું નથી.

કર્મ કંઈક ને કંઈક તો કરવા પડે છે નહીં તો અહીં,
સ્વર્ગની તો વાત છોડો નર્ક પણ મળતું નથી.

હાથ એનાં પણ હશે બંધાયેલા કોને ખબર,
એને પણ કરવું પડે છે જે એને ગમતું નથી.

– ૧૩/૦૯/૨૦૨૩

[રોજે રોજ, હર હંમેશ, દરેક ક્ષણે, દરેક સ્થળે, કોઈ ને કોઈ દ્વારા, કંઈક ને કંઈક થતું રહે છે, ઘટતું રહે છે, બનતું રહે છે; અને એમાંનું કશું પણ કરવું કે એને કરતાં કે થતાં રોકવું એ આપણાં કોઈનાં પણ હાથમાં નથી. જે થવાનું નિહિત છે એ નક્કી ઘટિત થઈને જ રહેશે, કોઈ કશું કરી શકવાનું નથી.]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingહાથમાં નથી

એટલું તો સમજ

  • Post published:21-Aug-23

બધું જ મારાથી થઈ શકે તો જણાવ તારી જરૂર શું છે?
કરમ કર્યેથી મળી શકે તો જણાવ તારી જરૂર શું છે?

હું તીર કાઢી મલમ લગાડું, પરંતુ ઉપચાર એકલાથી,
ફરીથી પંખી ઉડી શકે તો જણાવ તારી જરૂર શું છે?

ધરમની પોકાર પર મહાદેવ હર કરીને હુંકાર કરીએ,
લડીને સેના જીતી શકે તો જણાવ તારી જરૂર શું છે?

અહીંનું પાણી સુકાય ક્યારે ને શ્વાસ ક્યારે રૂંધાય એવું,
જો ગર્ભ નક્કી કરી શકે તો જણાવ તારી જરૂર શું છે?

નગરનાં ભંડાર પણ હલાવી શકે ના ત્યારે જરાં અમસ્તી,
કડીથી પલ્લું નમી શકે તો જણાવ તારી જરૂર શું છે?

– ૨૦/૦૮/૨૦૨૩ [અમિત ટેલર “કાચબો”]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingએટલું તો સમજ

થોડામાં ચલાવી લઈશ

  • Post published:11-Jul-23

ભેદ આ સંસાર નો નહીં ખોલ તો પણ ચાલશે,
બસ મને સમજાય એવું બોલ તો પણ ચાલશે.

હા, એ હું સમજી શકું છું તું ચલિત નહીં થઈ શકે,
બસ ભજનના તાલે થોડું ડોલ તો પણ ચાલશે.

રાખજે ઉંચા શિખર ઉપર ધજાઓ ઘર્મની,
છોને નીચે હોય પોલમપોલ તો પણ ચાલશે.

બેઉ હાથે વ્હેંચશે તો પણ તને ખૂટશે નહીં.
બસ મને તો સ્હેજ નમતું તોલ તો પણ ચાલશે.

તું નહીં આવી શકે તો કોઈ તારો ખાસ ગણ-
આવશે લેવા નો દઈ દે કોલ તો પણ ચાલશે.

સ્વર્ગમાં કોને ખબર કેવી પરોણાગત હશે!
જો મળે બસ ઘર સમો માહોલ તો પણ ચાલશે.

ખાતરી કર “કાચબા” કે પાત્ર યોગ્ય છે કે નહીં,
એ પછી તો ના વગાડે ઢોલ તો પણ ચાલશે.

– ૧૦/૦૭/૨૦૨૩

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingથોડામાં ચલાવી લઈશ