જીવનનાં કરુણ પાસાને રજુ કરતી કવિતાઓ
વહેવારે જે થાતું હોય એ આપી દઈશું,એમ કરીને એમનુંય પાણી માપી લઈશું. સોથી ઉંચા સંબંધો સાચવતાં આવડે,રાજી રહે તો કાળજુ થોડું કાપી દઈશું. મનથી પણ મેં તો એમને મારા માન્યા છે,એકતરફી હો તો પણ, મૂર્તિ સ્થાપી દઈશું. થોડું અમથું છોડું તો નુકશાન નથી બહુ,આપી દઈને છાતી સરસો ચાંપી દઈશું. ઝાળ બળે છે અંદર, જોઈ ઉપેક્ષા એમની,પાસે બેઠા છે સમજીને તાપી લઈશું. શું લઈ લેશે? બે-ત્રણ ટુકડા કાગળનાં, બસ!પરસેવો પાડીને થોડાં છાપી લઈશું. નીંદા કરવા જ યાદ કરે છે તોયે શું છે?એમ કરી જીવનમાં એમનાં વ્યાપી જઈશું. - ૦૧/૧૦/૨૦૨૩
એનાં મનમાં શું છે મેં ધારી લીધેલું,દડદડતુ આંસુ એણે વાળી લીધેલું. હસતાં મોઢે ના કહેવા આવે એ પહેલાં,કાંડા પર ચાઠું એણે પાડી લીધેલું. માથું નીચું રાખીને સાંભળતા રહેતા,કહેવા જેવું તો દાંતે ચાવી લીધેલું. આંખો એણે છેક સુધી કોરી રાખીને,મકક્મ રહી લીધેલું પ્રણ પાળી લીધેલું. સ્મૃતિઓનાં અસ્થિ પણ પધરાવી દીધાં,મન તો એણે પહેલેથી મારી લીધેલું. કોરી પોથી લાવી સામે મુકી દીધી,કહેવાનું પાનું એણે ફાડી લીધેલું. લાખ જતન કરતા પણ છુંદણું ઢંકાયું નહીં,પાલવ નીચે નામ હતું, ભાળી લીધેલું. - ૧૮/૦૭/૨૦૨૩ [ના તો હાથ ઉપડતો હોય છે ના જીભ ઉપડતી હોય છે; સીધાં, સાદા, અને સરળ લાગતાં "આવજો" ઘણીવાર બહું અઘરાં પડતાં હોય છે....]
સમસ્યા એ પણ છે કે સહેલો રસ્તો જ નથી,સમસ્યા એ પણ છે કે કોઈ છૂટકો જ નથી. આંધળે પાટે દોડીને જીતવાની છે સ્પર્ધા,સમસ્યા એ પણ છે કે આડો પટ્ટો જ નથી. ક્ષિતિજપારથી ચાલી આવીએ પોરો ખાવા,સમસ્યા એ પણ છે કે ધરતીનો છેડો જ નથી. સજા ભોગવી લઈએ તો ગુસ્સો ઠરે એમનો,સમસ્યા એ પણ છે કે હાથમાં ડંડો જ નથી. રણભૂમિ વચ્ચે બેસીને કાટ ઘસીએ છીએ,સમસ્યા એ પણ છે કે તોપમાં ગોળો જ નથી. વેશ ભજવાઈ ગયો ને વાર્તા પતી ગઈ છે,સમસ્યા એ પણ છે કે પાડવા પડદો જ નથી. કપાટ ખુલવાની આશે ક્યારનો બેઠો છે "કાચબો"સમસ્યા એ પણ છે કે અંદર ભોળો જ નથી. - ૦૫/૦૫/૨૦૨૨ [જીવનમાં ઘણી વાર એવી પરિસ્થિતિઓ ઉભી થઈ જતી હોય છે કે ત્યારે સાચું શું ને ખોટું શું એવી ભેદરેખા ખેંચવાનું અશક્ય થઇ જાય છે. એક બાજુ કૂવો ને બીજી બાજુ ખાઈ. જવું તો ક્યાં જવું? કરવું તો શું કરવું? કરવું કે નહીં કરવું? એવી તો "દ્વિધા" માં ફસાઈ જવાય છે કે એવું થઈ આવે કે આ ધરતી અત્યારે ને અત્યારે જ ફાટી જાય અને મને અંદર સમાવી લે...જેથી કરીને મારે કોઈ નિર્ણય લેવો જ નહીં પડે....]
માતૃભૂમિને નમન કરીને આવું છું,કર્મભૂમિનું ભ્રમણ કરીને આવું છું, માનો ખોળો છૂટ્યાંનો રંજ તો છે,કાળજું થોડું કઠણ કરીને આવું છું. માગ્યું ન'તુ પણ, નીકળી જવું પડ્યું,બાળપણ આખું દફન કરીને આવું છું. ભલું થજો એનું, મને એ યોગ્ય ગણ્યો,સદભાગ્ય પાણીગ્રહણ કરીને આવું છું. સ્વાદ એનો કેમ કરી ભૂલાય મારાથી,ચપટી ધૂળ જમણ કરીને આવું છું. રખેને સમજતો કે રહું છું મોજમાં,ઘા જાતે મારી સહન કરીને આવું છું. અનુભવ બધે જ "કાચબા" અલૌકિક થયાં,જ્યાં પણ બેસું ભજન કરીને આવું છું. - ૨૯/૦૪/૨૦૨૨ [અર્થોપાર્જન ખાતર માતૃભુમીથી દૂર રહેતા હોય, એ રજાઓમાં, વાર-તહેવાર-પ્રસંગે વતનમાં જાય અને રજા પુરી થયે પાછા કર્મભૂમિ તરફ પ્રયાણ કરી જાય, એવો નિત્યક્રમ ચાલ્યા કરે. ત્યારે માણસને એમ થાય કે જ્યાં જાઉં છું એ "સ્વદેશાગમન" છે કે જ્યાં ગયેલો એ હતું?...]
ભજન કરવા એક ભગવાન જોઈએ છે,કહ્યાગરો હોય એવો ગુણવાન જોઈએ છે. ક્ષણની જ મોહલત પર, સાદ પડે એટલે-સજ્જ થઈ આવે'એવો વેગવાન જોઈએ છે. પથ્થરો બહું મોટાં પડ્યા નસીબમાં,ઊંચકીને ફેંકે'એવો બળવાન જોઈએ છે. માંગવાની રોજ મને આદત પડી છે,સ્વભાવે ઉદાર અને ધનવાન જોઈએ છે. વેદોની ભાષા પણ અઘરી ઉકેલવી-આત્મસાત કરાવડાવે, વિદ્વાન જોઈએ છે. કુવિચારો નિરાશા ને આપે તિલાંજલિ,નવી દિશા ચીંધે, નવજવાન જોઈએ છે. પ્રભાવી હોય આભા,તો જ આવે સમર્પણ,"કાચબા" ઓજસ્વી-સ્વરુપવાન જોઈએ છે. - ૦૧/૦૪/૨૦૨૨ [ટચૂકડી "જાહેર ખબર": એક ભોળા ભગત માટે સસ્તો, સારો, ટકાઉ અને કહ્યાગરો ભગવાન જોઈએ છે. મ્હોં માંગ્યો પગાર આપવામાં આવશે (નહીં). આખા દિવસની નોકરી અને રહેવા-જમનાનું મફત.... આજે જ સંપર્ક કરો...]