સમાજ, વ્યવસ્થા અને વિચારસરણી પર હળવો કટાક્ષ કરતી કવિતાઓ
ભાનમાં તો કોણ તમને લાવવાનું ભાઈ,રાહ જોઈને ખાંપણ જ પહેરાવવાનું ભાઈ. બસ હવે સમજાવવાથી ફર્ક પડશે નહીં,બોલતાં પહેલાં બરાબર ચાવવાનું ભાઈ. છે સમય તો તોછડો તું સાચવી લેજે,કામ એનું રોકડું પકડાવવાનું ભાઈ. તું હવે નબળો પડ્યો છે, માર તો પડશે જ,હોય લણવું એ જ તારે વાવવાનું ભાઈ. પારધીના બાણથી ઘાયલ થયાં તો શું?પાંખ જેવું હોય તો ફફડાવવાનું ભાઈ. પાંખડીઓ ખેંચવાથી ફુલ ખીલશે નહીં,બારણું તો પ્રેમથી ખખડાવવાનું ભાઈ. બેઉ હાથે જ્યાં બને ત્યાં લ્હાણીઓ કરજે,આખરે તો પીંડ પણ પધરાવવાનું ભાઈ. - ૦૩/૧૧/૨૦૨૨
સંસારમાં રહીને શંકરને પામવાનો, રસ્તો છે સાવ સહેલો, પડતાને ઝાલવાનો. કૈલાશનાં શિખરની યાત્રા ઘણી કઠિન છે, ચાલી નહીં શકો તો રસ્તો બતાવવાનો. જેની ફળી તપસ્યા મૃત્યુ જ અઘરી માંગી, એથી વિશેષ તું શું વરદાન માંગવાનો. સહેલું નથી થવાનું સમશાનમાં અઘોરી, ચિતા સળગતી રાખી, અગ્નિને ઠારવાનો. ગંગાના નીર આઘા, ધોવાય ક્યારે પાપો, સ્વીકારી, મ્હાંયલાને પળમાં પખાળવાનો. મંથનનું ઝેર ભોળાએ પી લીધું છે પૂરું, તારે તો બસ આ મનનાં અજગરને નાથવાનો. - ૦૧/૦૩/૨૦૨૪ [અમદાવાદથી પ્રકાશિત દૈનિક 'સનવિલા સમાચાર' ના ૧૦/૦૩/૨૦૨૪ ના અંકની 'રંગશ્રી' પૂર્તિની 'ગઝલ' કોલમમાં પ્રકાશિત]
ભાંગી જઈને ભક્તિ તારી આ ભવે તો નહીં કરું,શું સજાનો ભય બતાવે? જા હવે તો નહીં કરું. હા હશે, બીજાં ભલે ભયથી તને નમતાં હશે,કૅરની બીકે નમન શ્રદ્ધા વડે તો નહીં કરું. સામસામે જો કરે ચર્ચા તો હું તૈયાર છું,વારે વારે દ્વાર પર પડદા પડે તો નહીં કરું. મંદ સ્વર, નીચી નજર, વિનમ્રતા મારી હતી,પણ મને નબળો ગણી માથે ચડે તો નહીં કરું. માંગવાની વાત ક્યાં આવી, એ મારો હક હતો,લઈ લઈશ પુરુષાર્થથી અરજી તને તો નહી કરું. ફાવ્યું ના ગાંડીવ ત્યારે વાત સંધીની હવે?સારથી પણ જો સ્વયં યુદ્ધે ચઢે તો નહીં કરું. તું કહે તો હું સમર્પણ પણ કરીશ, પણ જો મને-ધર્મ ને સિદ્ધાંત મારાં ના કહે તો નહીં કરું. - ૩૦/૦૮/૨૦૨૨ [અમદાવાદથી પ્રકાશિત 'સનવિલા સમાચાર' નાં ૧૮/૦૨/૨૦૨૪ ના અંકની 'રંગશ્રી' પૂર્તિમાં 'ગઝલ' કોલમમાં પ્રકાશિત]
નીકળી પડ્યાં છો આ મોટા ઉપાડે,ક્યાં સુધી ટકશો આ તપતાં ઉનાળે. બંને ક્ષણિક છે હો જુસ્સો કે ગુસ્સો,પાણીમાં પરપોટા આવે ઉકાળે. ખોટું નથી કાંઈ કરવામાં સાહસ,વંટોળ સીધાંને જડથી ઉખાડે. ક્યારે ખબર નહીં શિખર પર એ પહોંચે,પહેલાં પગથિયે જે સિક્કો ઉછાળે વાસંતી લહેરો પર ઉડે છે કાગળ,પંખીને તો એની પાંખો ઉડાડે. પથરાને જઈને જરા કોઈ કહેજો,ઠળિયાને અંદરનો અંકુર ઉગાડે. - અમિત ટેલર, ૨૫/૦૮/૨૦૨૨
વાંકાચૂકા રસ્તા ઉપર સીધો ક્યાંથી ચાલું વ્હાલા,મારા વ્હાલા આડા ઉભા, રસ્તો ક્યાંથી કાઢું વ્હાલા. જેઓ એને મારી સાથે લેવા કાલાવાલા કરતા,એણે પહેલું કામ કર્યુ કે ઠોકર મારી પાડું, વ્હાલા. રસ્તે કાંટા એણે નાંખ્યાં છે જોયું, વિશ્વાસ નથી, પણ-ભૂત ચડ્યું છે માથે એનું, કઈ રીતે ઉતારું વ્હાલાં? અર્જુનને તો છાવરવા તેં ધર્મીધર્મી તારી આપ્યાં,હું વ્હાલાંની વચ્ચે જઈને કોનો કોલર ઝાલું વ્હાલા? 'તારે સીધાં રહેવું હો તો રસ્તો સાફ કરી હું આપું',મનની શાંતિ ખાતર એવું આપ વચન તો ઠાલું વ્હાલા. શ્રદ્ધા એટલી દેજે જ્યારે તારી પાસે પહોંચું ત્યારે,કાંટા, ખાડા, આડા, રોડા, સૌ કોઈ લાગે વ્હાલું વ્હાલા. મેં તો એમને મારાં કહીને મારી સાથે લઈ લીધાં છે,હું ઈચ્છું કે મારી સાથે એમને પણ પહોંચાડું વ્હાલા. - અમિત ટેલર, ૧૨/૦૧/૨૦૨૪ [અમદાવાદથી પ્રકાશિત દૈનિક 'સનવિલા સમાચાર' નાં ૧૪/૦૧/૨૦૨૪ ના આંકની 'રંગશ્રી' પૂર્તિમાં 'ગઝલ' કોલમમાં પ્રકાશિત]