સમાજ, વ્યવસ્થા અને વિચારસરણી પર હળવો કટાક્ષ કરતી કવિતાઓ

વિચાર્યા વગર નાં બોલ

  • Post published:11-Dec-21

તારાં વગર ચલાવી લઉં?
ઈશ્વર કોને બનાવી દઉં?

ગલીના નાકે મળે જે પહેલો,
જઈને એને ઉઠાવી લઉં?

મહા મહેનતે જડ્યો છે મને,
તને સહજમાં ગુમાવી દઉં?

ભૂલો પડેલો ત્યારે મળેલો,
રસ્તો પાછો ભુલાવી દઉં?

તેં જ રોપ્યા’તા સંબંધ સ્નેહના,
એનાં છેદ ઉડાવી દઉં?

મોઢાં પર તો હાથ મુકી દઉં,
આંસુ કેમનાં છુપાવી લઉં?

સ્વીકાર નથી કોઈ સ્હેજેય મને,
પ્રસ્તાવ પળમાં ફગાવી દઉં?

યુગે યુગે તું સાથે રહેશે,
યાદ તને’એ અપાવી દઉં?

વિશ્વાસને તું લાયક નથી,
વાત એ જગમાં ફેલાવી દઉં?

મારાં વગર તું ય કંઈ નથી,
વાત એ મનમાં ઠસાવી દઉં?

શાનમાં એટલું સમજીજા “કાચબા”
વાતને અહીંયા જ પતાવી દઉં.

– ૧૬/૧૦/૨૦૨૧

[શું…? તને ભૂલી જાઉં? આ શું બોલે છે તું, એનું તને ભાન છે? તને ખબર નથી, તારા વગર હું નહીં રહી શકું? તો પછી, શું કરવા મને કકળાવે છે? જો તને કહી દઉં છું, આમ કશું પણ “વિચાર્યા વગર નાં બોલ“, એવું બોલતાં પણ તને શરમ આવવી જોઈએ…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingવિચાર્યા વગર નાં બોલ

ફેરાં ફરવાનો નથી

  • Post published:10-Dec-21

મંદિર મંદિર ભટકવું નથી,
કર્તવ્યોથી છટકવું નથી,

પંક્તિમાં ઉભા રહીને, પથ્થર –
પર માથું પટકવું નથી,

ઉપેક્ષાએ વ્યથિત થઈ઼ને,
અંદરથી બટકવું નથી,

મુઠ્ઠીને ખોલી દઈને કેવળ,
રેખા પર લટકવું નથી,

દઈ દઈને નામ તારું,
બસ પલડું ઝટકવું નથી,

સિફારીશ લઈને અમથી તારી,
કોઈને પણ ખટકવું નથી,

તથાસ્તુ મળતાં મળશે “કાચબા”,
એ પહેલાં અટકવું નથી.

– ૧૩/૧૦/૨૦૨૧

[તને મળવા માટે હું ભટક્યા નથી કરવાનો. ખુશામત તને ગમતી હશે પણ હું એમાં બીલકુલ માનતો નથી, મારાં કર્મોના બળે તું મળે તો ઠીક છે, બાકી હું મંદિરોનાં “ફેરાં ફરવાનો નથી“….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingફેરાં ફરવાનો નથી

છણકો

  • Post published:09-Dec-21

સાચી વાત કરી કે તરત ખિજાઈ ગયો,
સ્હેજ ફરિયાદ કરી કે તરત ગિન્નાઈ ગયો,

સાંભળ્યું’તુ મેં સૌમ્ય તારો સ્વભાવ છે,
એવી હરકત કરી કે તરત મપાઈ ગયો,

દંભ તો ઘણો કર્યો તેં સોનું દેખાવાનો,
એક ટકોરો કર્યો કે તરત પરખાઈ ગયો,

ઢાંકી લીધો’તો ચહેરો તેં મહોરાં પાછળ,
સ્હેજ જરા ભસ્યો કે તરત ઓળખાઈ ગયો,

તેં જે પથરા માર્યા છાંટા એનાં જ છે,
અરીસો સામું ધર્યો કે તરત અકળાઈ ગયો,

વાત માંડીને કહું તારા શા હાલ થાશે,
હજી તો શરૂ કરી જ કે તરત ગભરાઈ ગયો,

ઉપદેશ લેવા દોડી દોડીને જાતો “કાચબા”,
ઉંબરા પાર ગયો કે તરત ભૂલાઈ ગયો.

– ૧૩/૧૦/૨૦૨૧

[બહું ડાહ્યી ડાહ્યી વાતો કરતો હતો પ્રમાણિકતાની, સત્યને સહર્ષ સ્વીકારી લેવાની, પણ જરાક જ એને અરીસો બતાવ્યો, કે તરત જ અકળાઈ ગયો, “છણકો” કરીને ચાલવા માંડ્યો અને સામું ઝઘડો કરવા માંડ્યો….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingછણકો

તું એને સમજ્યો જ નથી

  • Post published:08-Dec-21

પાસે જઈ, અડકવા જેવો છે,
ઈશ્વર ઘડીક, નિરખવા જેવો છે,

જોવામાં તો લાગે, ચળકતો સોનેરી,
ઠોકી-ટીપીને, પરખવા જેવો છે,

ઉંડા જે પણ ઉતર્યા, પામી ગયાં સ્વયંને,
આ ખાંડો, અંદર ગરકવા જેવો છે,

એકવાર લાગે તો, કેમેય મટે નહીં,
નેહડો એનો, હડકવા જેવો છે,

પ્રકાશ આપે, પણ બાળે નહીં કોઈ’દી,
એ દીવો, પાસે, સરકવા જેવો છે,

જોડે ચાલે, ભેગો, મારગ પણ બતાવે,
એ ભોમિયો, સાથે, ભટકવા જેવો છે,

એનું જે કંઈ મળે, તે ભેગું કરીએ “કાચબા”,
એ ધનનો ઢગલો, ખડકવા જેવો છે.

– ૧૩/૧૦/૨૦૨૧

[તું ખોટે ખોટો એની સાથે તકરાર કર્યા કરે છે, નાહક બીચારાને બદનામ કરે છે, વગોવે છે… જેટલો ખરાબ તેં એને ચીતરી દીધો છે એવો એ નથી. “તું એને સમજ્યો જ નથી“. એ બીચારો તો નારીયેળ જેવો છે, બહારથી કડક અને અંદરથી નરમ….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingતું એને સમજ્યો જ નથી

અતિ સર્વત્ર વર્જયેત

  • Post published:07-Dec-21

અંદર એટલાં પણ નહીં ઉતરીએ, કે ફસાઈ જઈએ,
બહાર એટલાં પણ નહીં નીકળીએ, કે પંકાઈ જઈએ,

સીમાઓમાં રહેવું, ઘણી સારી વાત છે, પણ –
સીમાઓ એટલી પણ નહીં બાંધીએ, કે પુરાઈ જઈએ,

દુનિયા આખી જ એક રંગમંચ, એમાં બે મત નહીં, પણ
અભિનય એટલો પણ નહીં કરીએ, કે પકડાઈ જઈએ,

જીવન છે ત્યાં સુધી, સ્પર્ધા તો રહેવાની જ, પણ
દોટ એટલી પણ નહીં મુકીએ, કે ફસડાઇ જઈએ,

થોડું ઘણું હોય ત્યાં સુધી ઠીક છે, સહન કરીએ, પણ
ડૂમો એટલો પણ નહીં ભરીએ, કે ગુંગળાઈ જઈએ,

મળતાવડા સ્વભાવથી વધારે સારું તો શું હોય, પણ
સંબંધો એટલાં પણ નહીં બાંધીએ, કે ઘેરાઈ જઈએ,

સમય સાથે થોડો બદલાવ પણ જરૂરી છે “કાચબા”,
એકધારા એટલાં પણ નહીં થઈએ, કે ફેંકાઈ જઈએ.

– ૦૯/૧૦/૨૦૨૧

[સંબંધોમાં અમૂક નિયમો પાળવા જોઈએ અને થોડું થોડું કષ્ટ પણ સહન કરવું પડે તો કરી લેવું જોઈએ. પણ એ બધાની પણ હદ હોવી જોઈએ, એક હદથી બહાર પણ નિકટતા સારી નહીં, “અતિ સર્વત્ર વર્જયેત“…એક હદથી વધારે ખાંડ પણ શરીર માટે ઝેર છે…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingઅતિ સર્વત્ર વર્જયેત