પ્રેમ માં ઝૂરતાં અને વિરહ અગ્નિમાં બળતાં પાત્રોની હૈયાવરાળ ઠાલવતી કવિતાઓ

ચેતવણી

  • Post published:07-Feb-22

પથ્થરને ઈશ્વર, કહેવામાં વાંધો એ જ, કે-
પછી ઈશ્વરને પથ્થર, કહી શકાશે નહીં.

નામ જ જો પથ્થરનું છાપી દઈએ હૃદયે, તો-
નામ પછી ઈશ્વરનું લઈ શકાશે નહીં.

લાગણી પણ મારી, જાણે પથ્થર પર પાણી –
જેમ, વહી જાય એ મારાથી સહી શકાશે નહીં.

ઝૂકી જો જઈએ કોઈ પથ્થરની આગળ તો,
એની સામું પણ વટભેર જઈ શકાશે નહીં.

મંદિરે લઈ જઈને મૂકી પણ દઈએ, પછી –
ઈશ્વરથી મંદિરિયે રહી શકાશે નહીં.

એજ પથ્થર છાતી પર મૂકી દઈને હળવેકથી,
ઈશ્વરથીયે દયાળુ થઈ શકાશે નહીં.

પથરા જો ડગલે ને પગલે આવે “કાચબા”,
તો નામ પછી ઈશ્વરનું દઈ શકાશે નહીં. … પથ્થરને ઈશ્વર૦

– ૧૪/૧૨/૨૦૨૧

[દરેક વ્યક્તિને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ નિષ્ઠૂર અને પથ્થર દીલની સામે વારે વારે પ્રેમવશ ઝૂકવું નહીં. નહીં તો એ પથ્થર તો કદી પીગળશે નહીં, પણ એની લ્હાયમાં નાહક ઈશ્વર સાથે ઝઘડો રોજનો થઈ જશે….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingચેતવણી

સુકાઈ જશે

  • Post published:01-Feb-22

થોડાં થોડાં અંતરાલે મળ્યા કરો તો સારું,
ઝાંખી પડતાં પહેલાં તાજી કર્યા કરો તો સારું.

ભીની માટી, ગુલાબ, કસ્તુરી, અત્તર, હવે દઝાડે,
શ્વાસે શ્વાસે સુગંધ તમારી ભર્યા કરો તો સારું.

પડદો ખોલી જોઈ લેવાની ઉત્સુક્તા અનેરી,
જ્યાં પણ નીકળો માથે ઓઢી ફર્યા કરો તો સારું.

એક ઝલક ને જોવા ખાતર આંખો નથી મટકતી,
વારે વારે પાછળ ફરીને જોયા કરો તો સારું.

કેટલાં હેતે કરાવીયા’તા પારણાં તમે વિરહના,
રડતી આંખે જીદ પર મારી વઢ્યા કરો તો સારું.

વિચારવામાં નથી વેડફવો સમય આપનો કિંમતી,
દરેક વખતે એક જ પ્રશ્ન પૂછયા કરો તો સારું.

ધ્યાન “કાચબા” સૌનું જાણવા ક્યારે-ક્યાં મળીશું,
વાત કરો તો હાથથી મોઢું ઢાંક્યા કરો તો સારું.

– ૧૧/૧૨/૨૦૨૧

[તમારા પ્રેમનાં પ્રતિક સમો એક છોડ વાવ્યો છે. જો જો…થોડી થોડી વારે આવીને એમાં તમારાં સ્નેહનું સિંચન કરતાં રહેજો, નહીંતર તમારી યાદમાં એ રોપો “સુકાઈ જશે” અને વિરહાગ્નિમાં બળીને રાખ થઇ જશે…..]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingસુકાઈ જશે

હદ પાર

  • Post published:27-Jan-22

અમસ્તું એમને જોઈ શકું, પણ ક્યાં સુધી?
આંસુ વગર રોઈ શકું, પણ ક્યાં સુધી?

દીવાના પ્રતિબીંબથીય એ દાઝી જાય,
નજીક એમની જઈ શકું પણ ક્યાં સુધી?

લાગણીઓ હૃદયની એમને વ્યક્ત કરવા,
સહારો શબ્દનો લઈ શકું પણ ક્યાં સુધી?

ચોરી કરવાનો કોઈ અનુભવ નથી, આંખોને –
હાથતાળી દઈ શકું, પણ ક્યાં સુધી?

કંઈક તો એ ચોખવટ કરે તો સમજ પડે,
મૂંઝવણમાં હું રહી શકું, પણ ક્યાં સુધી?

જવાબ મારે મનને પણ આપવો પડેને,
ખોટું ખોટું કહી શકું, પણ ક્યાં સુધી?

ઉભો થઇજા “કાચબા” મૂકીને, પથ્થર –
ભેગો પથ્થર થઈ શકું, પણ ક્યાં સુધી?

– ૦૮/૧૨/૨૦૨૧

[માણસની સહનશક્તિની પણ એક હદ હોય ને? કોઈના તરફથી સદંતર ઉપેક્ષા અને તિરસ્કારને કોઈ ક્યાં સુધી સહન કરે? પણ જ્યારે એ “હદ, પાર” થઈ જાય ત્યારે એક તોફાન આવે છે અને સર્વત્ર વિનાશ વેરીને જતું રહે છે…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingહદ પાર

કંટા કે છપ્પા

  • Post published:24-Jan-22

સિકકો ઉછાળીને નિર્ણય કરે છે?
તારો જ છું હું, શું કામ ડરે છે?

ગમતાને ચાહવામાં ખોટું નથી કાંઈ,
એવું તો રાધા ને કૃષ્ણય કરે છે.

દાબીને લાગણીઓ ફરવાની શું કામ?
એમાં ક્યાં કશું જ તું ખોટું કરે છે?

સિક્કાને ભાવનાઓ હોતી નથી કોઈ,
એ તો બસ મસ્તીમાં ફર ફર કરે છે.

જાણું છું સિક્કો ઉછાળીને મનમાં તું,
પ્રાર્થના ક્યા કાંટા-છાપાની કરે છે.

અહીંયા નહીં તો બીજે ક્યાંક મળશું,
પ્રેમ ક્યાં કામના શરીર ની કરે છે?

સસ્તું નથી “કાચબા”, જીવન-મરણ  એટલું,
કામ શું કામ સિક્કાનું, અઘરું કરે છે?

– ૦૧/૧૨/૨૦૨૧

[જીંદગી ઘણી વખત આપણને એવાં વળાંક પર લાવીને મૂકી દે છે કે… એક તરફ કુવો તો બીજી બાજુ ખાઈ… શું કરવું એની જ સમજ નહીં પડે. એવે વખતે આપણે સિક્કો ઉછાળીને “કંટા કે છપ્પા” કરીને નિર્ણય સિક્કા પર છોડી દઈએ. પણ ખરો નિર્ણય તો ત્યારે જ થઈ જાય જ્યારે સિક્કો હવામાં હોય અને આપણું મન એ એક જ બાજુ પડવાની પ્રાર્થના કરતો હોય….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingકંટા કે છપ્પા

ફરી મળીશું?

  • Post published:03-Jan-22

વરસતે વરસાદ પલળતા’તા,
બેય ગાલે નીતરતા’તા,
આંખેથી વિરહની અગ્નિનાં ગોળા,
છૂટીને હૈયે ઉતારતા’તા.

જાઉં-નજાઉં એ કરતા’તા,
જરીક રોકાવાને લડતા’તા,
ડગલું એક એકલાં ભરી નહોતાં શકતાં,
એ વાયદાઓ દોડવાનાં કરતા’તા.

કોડીલા હૈયાં ઉકળતા’તા,
ભાવી ના સ્વપ્નો ઓગળતા’તા,
ડાળેથી ઉડીને “કાચબા” બે હોલા,
રુઢીના પાંજરે ઉતરતા’તા.

– ૦૮/૧૧/૨૦૨૧

[આંસુઓ બંધ થવાનું નામ નથી લેતાં અને શબ્દો નીકળવાનું. હાથ બાંધેલા નથી, છતાં છૂટતાં નથી. બંનેનાં મનમાં એક જ પ્રશ્ન છે “ફરી મળીશું“? આ ભવ ફરી આ ચહેરો જોઈ શકીશું?….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingફરી મળીશું?