પ્રેમ માં ઝૂરતાં અને વિરહ અગ્નિમાં બળતાં પાત્રોની હૈયાવરાળ ઠાલવતી કવિતાઓ

લાયક ન’તો

  • Post published:21-Oct-21

સમસ્યા માત્ર એટલી હતી, તમને મારાં કરવામાં,
ધ્યાન મારું લાગ્યું જ નહીં ક્યારેય, માળા કરવામાં,

જાત ઘસીને તમે,ખોળિયું ઉજળું કરી આપ્યું,
હું વ્યસ્ત રહ્યો ફક્ત, કામો કાળા કરવામાં,

સાદગી અને સંયમને, ચઢાવીને ખોરંભે,
હાંસિલ કરી મહારથ, મેં, ખોંખારા કરવામાં,

ખબર ના પડી કાંટાની, પાછળ ચાલીને,
કેટલા ખૂંપ્યા તમને, રસ્તા સુંવાળાં કરવામાં,

પ્રતીક્ષા હશે તમને, કે કોઈ, વ્હાલથી ઉપાડી લે,
હું મજા લેતો રહ્યો બસ, અટકચાળા કરવામાં,

તમે ઓજસ્વી સૂર્ય, નાહક ઘસી રહ્યાં માથું,
પથ્થર સાથે, અંતરને અજવાળા કરવામાં,

હું દરિયાનો “કાચબો”, ને તમે નદીની મીન,
જીવતર બેવ ખપી જાત, ખાબોચિયાં ખારાં કરવામાં…

સમસ્યા એટલીજ હતી, તમને મારા કરવામાં…

– ૧૬/૦૮/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingલાયક ન’તો

ચીમકી

  • Post published:11-Oct-21

જાતે જ ભાનમાં આવી જાય, તો સારું,
મને જલ્દી ઓળખી જાય, તો સારું,
બરાબર ઓળખું છું તારી દુઃખતી રગને,
શાનમાં એટલું સમજી જાય, તો સારું.

હાલત શું છે, જોઈ જાય, તો સારું,
એકવાર ખાતરી કરી જાય, તો સારું,
હાલત તારી પણ આવી કરી શકું છું હું,
જોઈને હૈયું દ્રવી જાય, તો સારું.

પસ્તાવો તને઼, થઈ જાય, તો સારું,
પાછો મને, મળી જાય તો સારું,
સ્વીકારી લે “કાચબા” તો સજા ઘટી જશે,
“હવે નહીં કરું” તરત કહી જાય, તો સારું.

– ૦૪/૦૮/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingચીમકી

સમાપ્ત થયું

  • Post published:04-Oct-21

સમય ક્યાં છે, મને, મળવાનો, તારી પાસે?
બીજી તો શું આશા, કરવાનો, તારી પાસે?

પથ્થર મૂકીને દિલ પર, મેં ફગાવી દીધો છે,
વિચાર કદીયે, પાછા, ફરવાનો, તારી પાસે.

પાડી દીધી છે આદત, એકલાં બેસવાની,
હવે હું શું લેવાને બેસવાનો, તારી પાસે.

નિષ્કાશીત કર્યા પછી, વિચારોમાં, મારા પર
કહે, શું અધિકાર વધવાનો, તારી પાસે?

કંગાળ થઇ ચુક્યો છે તું, મારી લાગણીઓનો –
હિસાબ શું, બાકી નીકળવાનો, તારી પાસે?

સહારો શોધતો ફરે છે, તું પોતે “કાચબા”,
દિલાસો શું, મને, મળવાનો, તારી પાસે?

– ૨૯/૦૭/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingસમાપ્ત થયું

વિડંબણા

  • Post published:01-Sep-21

વરસતી આંખોએ કર્યા, વિદાય એમને,
વધીને દઈ પણ નાં શક્યાં, વધાઈ એમને,
પૂછી ન શક્યાં, હતો ત્યાગ કે તિરસ્કાર એમનો,
બાંધી ન શક્યા, સોગંદ માં, જરાય એમને.

કારણ તો કેમ કરી પુછાય એમને?
મૂંઝવણમાં કેમ કરી મુકાય એમને?
કંપી જાય હૈયું જે વિચારતા, એ કહેવાં,
વિવશ તો કેમ કરી કરાય એમને?

છે એવા કે મઢીને રખાય એમને,
વાત અંગત કોઈ પણ કે’વાય એમને,
જતાં જતા આજ્ઞા એટલી જ મંગાવી,
કે, મન ભરાય તો પત્ર લખાય એમને?

કહી તો જો, કે, એકવાર રોકાય એમને,
પૂછ તો ખરો, હાલત, તારી દેખાઈ એમને?
ઘેલો શું થયો છે “કાચબા” એના નામે એટલો?
વિચાર કર્યો ખરો, તારો જરાય એમણે?

– ૦૬/૦૭/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingવિડંબણા

અકળ મૌન

  • Post published:20-Aug-21

તું કંઈ બોલે તો સમજ પડે,
ચુપ્પી તોડે તો સમજ પડે,
કેવી ગડમથલ છે તારાં મનમાં?
મોઢું ખોલે તો સમજ પડે.

સામું જોવે તો સમજ પડે,
ચર્ચા છેડે તો સમજ પડે,
ગાંઠ બાંધી ને બેઠો છે,
પૂર્વાગ્રહ છોડે તો સમજ પડે.

ફોડ પાડે તો સમજ પડે,
વાત માંડે તો સમજ પડે,
ફીકર, મને, તારી, છે “કાચબા”,
તું એ માને તો સમજ પડે.

– ૨૪/૦૬/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingઅકળ મૌન