સામાજિક સંદેશ આપતી અથવા રીતિ-રિવાજોની ચર્ચા કરતી કવિતાઓ

પતાવટ

  • Post published:08-Jan-24

તું ઊભો છે હું ઊભો, ફેલાવ હાથ બે ઝોળી કરીએ,
સઘળાં મનદુઃખો લઈ આવું, ચાલને મોટી હોળી કરીએ.

આજે કાલે કરતાં કરતાં વીતી ગયાં વર્ષોના વ્હાણા,
આજે મોકો આવ્યો છે તો વાત અહમને છોડી કરીએ.

હું સાચો કે તું ખોટોમાં ગૂંચવાયા ને ગોથે ચડ્યા,
તારાં મારાં મનની વચ્ચે ગલી સાંકડી પહોળી કરીએ.

ઊંચી ઊંચી ઈમારતોમાં ઊંચા ઊંચા સપનાં વચ્ચે-
ક્યાં ખોવાયા મનનાં મેળા, આજે ખોળા ખોળી કરીએ.

બહું નાનો ગોળો છે દુનિયા, બહું ઓછાંમાં દુનિયા તારી,
સ્વાર્થ વગરનાં સગલાં સાથે ભેગાં થઈને ટોળી કરીએ.

ઢગલાં ઉપર બેસો તોયે જોઈએ કેટલાં? મુઠ્ઠી દાણા,
હાંફી જઈને પડવા કરતાં ઓછી ભાગાદોડી કરીએ.

– અમિત ટેલર,

[‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ ના મુખપત્ર ‘ભાષા મારી ગુજરાતી’ ત્રિમાસિકના નવેમ્બર ૨૦૨૪ નાં આંકમાં પ્રકાશિત. ૧૮/૦૯/૨૦૨૨ ના રોજ ‘લિપિ પરિવાર’ નાં પ્રથમ સ્નેહ મિલનમાં રજૂ કરી]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingપતાવટ

આવજો

  • Post published:18-Jul-23

એનાં મનમાં શું છે મેં ધારી લીધેલું,
દડદડતુ આંસુ એણે વાળી લીધેલું.

હસતાં મોઢે ના કહેવા આવે એ પહેલાં,
કાંડા પર ચાઠું એણે પાડી લીધેલું.

માથું નીચું રાખીને સાંભળતા રહેતા,
કહેવા જેવું તો દાંતે ચાવી લીધેલું.

આંખો એણે છેક સુધી કોરી રાખીને,
મકક્મ રહી લીધેલું પ્રણ પાળી લીધેલું.

સ્મૃતિઓનાં અસ્થિ પણ પધરાવી દીધાં,
મન તો એણે પહેલેથી મારી લીધેલું.

કોરી પોથી લાવી સામે મુકી દીધી,
કહેવાનું પાનું એણે ફાડી લીધેલું.

લાખ જતન કરતા પણ છુંદણું ઢંકાયું નહીં,
પાલવ નીચે નામ હતું, ભાળી લીધેલું.

– ૧૮/૦૭/૨૦૨૩

[ના તો હાથ ઉપડતો હોય છે ના જીભ ઉપડતી હોય છે; સીધાં, સાદા, અને સરળ લાગતાં “આવજો” ઘણીવાર બહું અઘરાં પડતાં હોય છે….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingઆવજો

થોડામાં ચલાવી લઈશ

  • Post published:11-Jul-23

ભેદ આ સંસાર નો નહીં ખોલ તો પણ ચાલશે,
બસ મને સમજાય એવું બોલ તો પણ ચાલશે.

હા, એ હું સમજી શકું છું તું ચલિત નહીં થઈ શકે,
બસ ભજનના તાલે થોડું ડોલ તો પણ ચાલશે.

રાખજે ઉંચા શિખર ઉપર ધજાઓ ઘર્મની,
છોને નીચે હોય પોલમપોલ તો પણ ચાલશે.

બેઉ હાથે વ્હેંચશે તો પણ તને ખૂટશે નહીં.
બસ મને તો સ્હેજ નમતું તોલ તો પણ ચાલશે.

તું નહીં આવી શકે તો કોઈ તારો ખાસ ગણ-
આવશે લેવા નો દઈ દે કોલ તો પણ ચાલશે.

સ્વર્ગમાં કોને ખબર કેવી પરોણાગત હશે!
જો મળે બસ ઘર સમો માહોલ તો પણ ચાલશે.

ખાતરી કર “કાચબા” કે પાત્ર યોગ્ય છે કે નહીં,
એ પછી તો ના વગાડે ઢોલ તો પણ ચાલશે.

– ૧૦/૦૭/૨૦૨૩

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingથોડામાં ચલાવી લઈશ

ગફલત

  • Post published:13-Mar-23

તને કોઈ જોતું નથી, એ તારો વ્હેમ છે,
પડદા પાછળ કશું નથી, એ તારો વ્હેમ છે.

તું ધારે એ કરે વિના કોઈ રોક-ટોક, પણ-
માથે કોઈ બેઠું નથી, એ તારો વ્હેમ છે.

જી-હજુરી કરે જોઈને શક્તિશાળી, પણ-
નબળાનું કોઈ સગુ નથી, એ તારો વ્હેમ છે.

તરાપ મારી જે આવે એ લઇ લેવામાં-
તારું કશું જ જતું નથી, એ તારો વ્હેમ છે.

તારી સામે કોઈ કશું બોલતું નથી, તો-
એને કોઈ કહેતું નથી, એ તારો વ્હેમ છે.

દેખાતો એ નથી એ તારી ઉપેક્ષા છે, બાકી-
ઈશ્વર જેવું હોતું નથી, એ તારો વ્હેમ છે.

“કાચબા” કશું હજી તને જો થયું નથી તો,
એનાથી કશું થતું નથી, એ તારો વ્હેમ છે.

– ૦૫/૦૫/૨૦૨૨

[હું ગમે તે કરું, મને કોઈ જોનાર નથી, મને કોઈ પકડનાર નથી, એવું કોઈ નથી જે મારી શક્તિઓને પડકારી શકે અને મારી સામે ઉભો પણ રહી શકે. જે કોઈ આ વાત ને સત્ય મને છે એ મોટી “ગફલત” કરે છે. સમય સૌનો આવે છે અને સૌનો ફરે પણ છે….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingગફલત

રહસ્ય

  • Post published:06-Mar-23

અહીં કોણ કોનાં ઈશારે ચાલે છે, બધાને ખબર છે,
વર્ષોથી ઘેર ઘેર આમજ ચાલે છે, બધાને ખબર છે.

રામે ઘડીને માટીના મૂકી દીધા છે રમતાં, પણ કોણ –
ભરાવે ચાવી ને રમકડું ક્યારે ચાલે છે, બધાને ખબર છે.

જોડી દીધાં છે પૈડાં બે, એક મોટું ને એક નાનું,
હાલક ડોલક ગાડું કેમ કરીને ચાલે છે, બધાને ખબર છે.

ડંફાસો મારે કે હું એક મારી મરજીથી ચાલુ છું, એને-
જવું હોય જમણે, ને કેમ ડાબે ચાલે છે, બધાને ખબર છે.

નથી કોઈ બંધન કે ધાક સોટીનો, સૌ બોલે તો છે,
ખીંટે બાંધેલું ડોબું કેવું ને ક્યાં લગ ચાલે છે, બધાને ખબર છે.

એ પણ એટલો જ નિઃસહાય છે જેનો તું અવતાર છે “કાચબા”,
એ વૈકુંઠનો વ્યવહાર પણ લક્ષ્મીથી ચાલે છે, બધાને ખબર છે.

– ૦૩/૦૫/૨૦૨૨

[બોલવા ખાતર તો લોકો બધું બહું બોલે છે, મોટી મોટી ડંફાસો મારે છે કે એનાં ઘરમાં એનો કેવો દબદબો છે. પણ ખરેખર સંસારમાં કોનું ચાલે છે એ કોઈ ગૂઢ “રહસ્ય” નથી. બહારથી ભલે કોઈ ગમે તે બોલે, પણ અંદરથી તો એને પોતાને પણ ખબર જ છે કે ઘરમાં કોનું ચાલે છે….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingરહસ્ય