અધ્યાત્મ, ઈશ્વર અને ઈશ્વર સાથેના જીવનાં ખટમીઠાં સંબંધોની કડવી મીઠી વાતો, સંવાદોને રજુ કરતી કવિતાઓ
શબ્દ હું ગોખી લઈશ, બસ અર્થ તું સમજાવજે,આતમા-પરમાતમા નો ફર્ક તું સમજાવજે. જ્યાં કહે જેવું કહે તું કર્મ હું કરતો રહીશ,સારથી થઈ સગપણોનો મર્મ તું સમજાવજે. તેં ચીંધેલા માર્ગ પર હું આંધળો ચાલ્યા કરીશ,ધરતી ઉપર ક્યાં મળે છે સ્વર્ગ તું સમજાવજે. માર્ગથી ભટકું હું ત્યારે ઓટલો તારો ચઢું,સીધે રસ્તે ક્યાં મળે ઉત્કર્ષ તું સમજાવજે. ધર્મને બંધન ગણું કે ઉન્નતિ નો માર્ગ છે,બાંધવું કે છોડવું છે ધર્મ તું સમજાવજે. દીવડો રાતે બળીને સૂર્યની જગ્યા ભરે,બેવમાંથી કોણ છે આદર્શ તું સમજાવજે. શબ્દના ઉપયોગમાં પણ શસ્ત્ર જેવો ઘાવ છે,આ મને કોનો થયો છે સ્પર્શ તું સમજાવજે. - ૨૭/૦૯/૨૦૨૨ [અમદાવાદથી પ્રકાશિત દૈનિક 'સનવિલા સમાચાર' ના ૧૭/૦૩/૨૦૨૪ ના અંકની 'રંગશ્રી' પૂર્તિની 'ગઝલ' કોલમમાં પ્રકાશિત]
સંસારમાં રહીને શંકરને પામવાનો, રસ્તો છે સાવ સહેલો, પડતાને ઝાલવાનો. કૈલાશનાં શિખરની યાત્રા ઘણી કઠિન છે, ચાલી નહીં શકો તો રસ્તો બતાવવાનો. જેની ફળી તપસ્યા મૃત્યુ જ અઘરી માંગી, એથી વિશેષ તું શું વરદાન માંગવાનો. સહેલું નથી થવાનું સમશાનમાં અઘોરી, ચિતા સળગતી રાખી, અગ્નિને ઠારવાનો. ગંગાના નીર આઘા, ધોવાય ક્યારે પાપો, સ્વીકારી, મ્હાંયલાને પળમાં પખાળવાનો. મંથનનું ઝેર ભોળાએ પી લીધું છે પૂરું, તારે તો બસ આ મનનાં અજગરને નાથવાનો. - ૦૧/૦૩/૨૦૨૪ [અમદાવાદથી પ્રકાશિત દૈનિક 'સનવિલા સમાચાર' ના ૧૦/૦૩/૨૦૨૪ ના અંકની 'રંગશ્રી' પૂર્તિની 'ગઝલ' કોલમમાં પ્રકાશિત]
વાત જો એની કરું તો રાત પણ ઓછી પડે,વૃદ્ધિ કરવા માનમાં ઔકાત પણ ઓછી પડે. કેમની સરખામણી કરશો અમારી એમની?સૂર્ય સામે આગિયાની નાત પણ ઓછી પડે. કેટલાં ઉપકાર છે એનાં તમોને શું કહું,હું જો મારી ખર્ચી નાંખું જાત પણ ઓછી પડે. પ્રેમથી અરજી કરો તો એ ધરી દે સ્વર્ગ પણ,ને લડો તો ઇન્દ્રની તાકાત પણ ઓછી પડે. છોડીને સંશય નમે એને તો તરશે "કાચબા",પામવાને સાર સદીઓ સાત પણ ઓછી પડે. - ૧૩/૦૭/૨૦૨૨
નાનાં મોટાં ચમકારાથી હું અંજાઈશ નહીં,એટલાંથી અંજાઈ ગયો તો તું દેખાઈશ નહીં. હરતાં ફરતાં હાથસફાઈ કરતાં જડે ધુતારા,ભુલકાઓને ભોળવી લઈને તું ફૂલાઈશ નહીં. નક્કર આપે સાબિતી તો માનું કે તું સાચો,મીઠી મીઠી વાતોમાં કંઈ હું ભોળવાઈશ નહીં. શ્રદ્ધાનો વેપાર કરું તો લાજે કોનું નામ?બાધા માનતા આખડીઓમાં હું બંધાઈશ નહીં. તંદ્રામાંથી નીકળી તારે ઉત્તર દેવા પડશે,ચાપલુસિયાઓની પંગતમાં હું ગોઠવાઈશ નહીં. થોડી એમાં મજબૂરી છે તારી પણ હું સમજું,પરચો તું બતલાવે નહીં તો તું પૂજાઈશ નહીં. કરવું હો કલ્યાણ જો તારે, તો આ લોકે કરજે,ચુક્યો તો જોજે પરલોકે તું ભટકાઈશ નહીં. - ૧૪/૦૭/૨૦૨૨
વાદળ ગુમ છે, વીજ નથી, જાણે ભાદરવો લાવી છે, આ તે કેવી કોરે કોરી આઠમ આજે આવી છે! તળિયે બેઠાં યમુનાજીનાં જળ એવી અવઢવમાં છે, નાગણીઓએ હઠ પકડી છે રાગિણીઓ ગાવી છે. ગોપીઓએ ગલીએ ગલીએ મહીની મટકી બાંધી છે, તપતી શેરીએ ગોવાળોની પાની સળગાવી છે. મોર અધિરાં થઈને પૂછે મુરત ટહુકા કરવાનું, પીંછું લઈને હોંશે એણે કલગી એક સજાવી છે. નંદ નગરમાં ઉત્સવનો ઉમંગ અધુરો લાગે છે, હિંડોળાએ થોડું ભીંજાવાની આશ લગાવી છે. - ૦૬/૦૯/૨૦૨૩ [છેલ્લા એક-દોઢ મહિનાથી બિલકુલ વરસાદ જ નથી અને ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે પણ વરસાદનાં કોઈ એંધાણ નથી; અને જન્માષ્ટમી સાવ કોરે કોરી જાય એવું તો કંઈ ચાલે? એટલે કાનુડાને કમસેકમ જન્માષ્ટમીનાં દિવસે તો વરસાદ પાડ, એવી મીઠી ફરિયાદ કરતી આ ગઝલ. હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી 🙏🏻 નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી 🙏🏻]