ભેદ આ સંસાર નો નહીં ખોલ તો પણ ચાલશે,
બસ મને સમજાય એવું બોલ તો પણ ચાલશે.
હા, એ હું સમજી શકું છું તું ચલિત નહીં થઈ શકે,
બસ ભજનના તાલે થોડું ડોલ તો પણ ચાલશે.
રાખજે ઉંચા શિખર ઉપર ધજાઓ ઘર્મની,
છોને નીચે હોય પોલમપોલ તો પણ ચાલશે.
બેઉ હાથે વ્હેંચશે તો પણ તને ખૂટશે નહીં.
બસ મને તો સ્હેજ નમતું તોલ તો પણ ચાલશે.
તું નહીં આવી શકે તો કોઈ તારો ખાસ ગણ-
આવશે લેવા નો દઈ દે કોલ તો પણ ચાલશે.
સ્વર્ગમાં કોને ખબર કેવી પરોણાગત હશે!
જો મળે બસ ઘર સમો માહોલ તો પણ ચાલશે.
ખાતરી કર “કાચબા” કે પાત્ર યોગ્ય છે કે નહીં,
એ પછી તો ના વગાડે ઢોલ તો પણ ચાલશે.
– ૧૦/૦૭/૨૦૨૩
વાહ ખૂબ સરસ અને ગૂઢાર્થ વાળી રચના
સુંદર
વાહ ખૂબ જ સુંદર કવિતા