ઉત્સુકતા

You are currently viewing ઉત્સુકતા

તને યાદ કરું, તું આવે, એમાં થોડી મજા આવે?
તને સાદ કરું, તું આવે, એમાં થોડી મજા આવે?

ઓરતાં મારાંયે હોય કે નહીં, આજીજી કરવાનાં,
તું સ્હેજેય ના સતાવે, એમાં થોડી મજા આવે?

કોઈને જ કહેતો નહીં, કઈ, વાટ તે પકડી લીધી,
તું સાચું કહીને આવે, એમાં થોડી મજા આવે?

ના ના એવું કાંઈ નથી, મારે પણ કહેવું હોય ને?
તું છાનું પણ ના રાખે, એમાં થોડી મજા આવે?

તૈયારી હું કરું કેટલી, સવાલ જવાબ કરવાની,
તું તરત જ હા પાડે, એમાં થોડી મજા આવે?

અમસ્તાંય તું કરે નહીં, વખાણ બીજા મિત્રોના,
તું થોડું ય નાં અકળાવે, એમાં થોડી મજા આવે?

મજા તો “કાચબા” પ્રેમમાં, ખાટાં મીઠાં પ્રસંગોની,
યાદો ચટપટી નાં બનાવે, એમાં થોડી મજા આવે?

– ૧૫/૦૭/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply