વટનો કટકો

You are currently viewing વટનો કટકો

આટલાં બધાં જક્કી થઈને શું મળ્યું તને?
થોડું નમતું જોખ્યું હોત, તો શું લુંટાઈ જાત?

યુગો યુગો થી બેઠો જ છેને, પગે‌ પગ ચડાવીને,
જરાક છૂટો કર્યો હોત, તો શું લુંટાઈ જાત?

તને મન થાય ત્યારે, રવડવા તો નીકળેજ છેને,
આ બાજુ પણ ફર્યો હોત, તો શું લુંટાઈ જાત?

ક્યાં મેં તને કીધુંતું, કે અહીંયા જ ધામા નાંખ,
બે ઘડી બેઠો હોત, તો શું લૂંટાઈ જાત?

આશા એવી નો’તી રાખી કે આંસુઓ મારા લૂંછશે,
પ્રેમથી ‘કેમ છે’ બોલ્યો હોત, તો શું લુંટાઈ જાત?

થોડી કંઈ મેં દુનિયા, તારી આખી માંગી લીધી’તી,
એક જ તારો ખર્યો હોત, તો શું લૂંટાઈ જાત?

તારે ક્યાં કોઈની પાસે માંગવાનું હતું “કાચબા”,
ઝોળી જરાક ખંખેરી હોત, તો શું લુંટાઈ જાત?

– ૧૨/૦૩/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply