ધક્કો લાગ્યો છે મને, તમારી વાત સાંભળીને,
નિર્ણય એક લિધેલો મેં, તમારી વાત સાંભળીને.
બતાવ્યા સોનેરી સ્વપનો, હથેળીમાં ચાંદ દઈને,
કાપ્યા હાથ મારા જાતે, તમારી વાત સાંભળીને.
હતી જાહોજલાલી કેટલી, ઘરમાં ભરેલી મારા,
છોડી દીધું મેં સર્વસ્વ, તમારી વાત સાંભળીને.
અંજાઈ ગઈ’તી આંખો, ચકાચોંધ જોઈને તમારી,
જાગ્યો છું ભર ઊંઘમાંથી, તમારી વાત સાંભળીને.
લાગી પણ ગયેલો ઉડવા, લગાવ્યા પંખ ઉધારીના,
જમીન સાચેજ સરકી ગઈ, તમારી વાત સાંભળીને.
વેરી થઈ ગઈ છે મારી, મારાથી આજ આખી દુનિયા,
વ્હોરી લીધું છે મેં વેર, તમારી વાત સાંભળીને.
રહ્યો’તો “કાચબા” એકજ, સહારો આપનો છેલ્લો,
નોધારો થઇ ગયો છું પળમાં, તમારી વાત સાંભળીને.
– ૨૨/૦૧/૨૦૨૧