સૂર્ય તો ઉગે છે, પણ સવાર થતી નથી,
અંધારી આ કોટડી, પસાર થતી નથી,
વિકરાળ એવી થઇ ગઈ છે કાળાશ મારી અંદર,
સો સો સૂર્ય લડે તોયે માત થતી નથી.
ઊંઘ ક્યાં ઉડે છે? ને આંખ ખુલતી નથી,
પીંજરે કાળા, સપનાંઓની પાંખ ખુલતી નથી,
ઉજાગરાની મહેફિલમાંથી ઉઠ્યા ત્યારે જાણ્યું,
સપનાં પૂરાં કરવાં માટે રાત પૂરતી નથી. … સૂર્ય તો ઉગે છે૦
સાંજ પડીને પસ્તાવાથી રાત જતી નથી,
રોઈ રોઈને આંખેથી કાળાશ જતી નથી,
ખારાશ એવી જામી ગઈ છે આંખોએ હવે મારી,
મીઠી “કાચબા” મોઢેથી કોઈ વાત થતી નથી. … સૂર્ય તો ઉગે છે૦
– ૩૧/૧૨/૨૦૨૧
[સૂર્ય તો નવરો છે, સવાર પડે ને નીકળી પડે, એને બીજું કોઈ કામ નથી. “સૂર્યવંશી“ઓ પોતાની ઈચ્છા પ્રમાણે દિવસ અને રાત પાડે છે, સૂર્ય ની ચાલ સાથે એમને કોઈ લેવાદેવા નથી….]
ખુબ સરસ વર્ણન. હંમેશા કયેક નવું લાવો છો.
😀😀 સૂર્યવંશી ઓ માટે કટાક્ષ સાથે સુંદર સંદેશ પણ રજૂ કર્યો 👍🏻