કવિ સંમેલન – અંધેરી

  • Post published:16-Sep-24

“આપણું આંગણું” બ્લોગ પ્રેરિત અને સંકલિત, અને ગુજરાત સાહિત્ય અકાદમી પ્રકાશિત, ૪૪ શાયરોની સંકલિત ગઝલોનો સંગ્રહ “આંગણું ગઝલનું” ના પ્રકાશન નિમિત્તે મુશાયરો

શુક્રવાર, ૨૦ સપ્ટેમ્બર ; સાંજે ૬:૩૦ વાગ્યાથી
ભવન્સ કેમ્પસ, અંધેરી, મુંબઈમાં

વિશેષ આભાર સાથે –
પરામર્શ – રઈશભાઈ મનીઆર
સંકલન – હિતેનભાઈ આનંદપરા

Continue Readingકવિ સંમેલન – અંધેરી

ભાઈ

  • Post published:01-Apr-24

ભાનમાં તો કોણ તમને લાવવાનું ભાઈ,
રાહ જોઈને ખાંપણ જ પહેરાવવાનું ભાઈ.

બસ હવે સમજાવવાથી ફર્ક પડશે નહીં,
બોલતાં પહેલાં બરાબર ચાવવાનું ભાઈ.

છે સમય તો તોછડો તું સાચવી લેજે,
કામ એનું રોકડું પકડાવવાનું ભાઈ.

તું હવે નબળો પડ્યો છે, માર તો પડશે જ,
હોય લણવું એ જ તારે વાવવાનું ભાઈ.

પારધીના બાણથી ઘાયલ થયાં તો શું?
પાંખ જેવું હોય તો ફફડાવવાનું ભાઈ.

પાંખડીઓ ખેંચવાથી ફુલ ખીલશે નહીં,
બારણું તો પ્રેમથી ખખડાવવાનું ભાઈ.

બેઉ હાથે જ્યાં બને ત્યાં લ્હાણીઓ કરજે,
આખરે તો પીંડ પણ પધરાવવાનું ભાઈ.

– ૦૩/૧૧/૨૦૨૨

Continue Readingભાઈ

જશે

  • Post published:25-Mar-24

આ સમય પળવારમાં વીતી જશે,
જીતશે જે દોડતાં શીખી જશે.

એક જણ એવી રીતે હરખાય કે-
કોઈ આવી ઘાવ પણ સીવી જશે.

કાંકરા પાણી તળે કચડાય છે,
ડૂબવાની ત્યાં સુધી ભીતિ જશે.

સાતમા આકાશથી ઉપર સુધી,
મહેનતુનાં નામની લીટી જશે.

સંતતિનાં પાપ પણ પુચકારતા-
આંધળાના રાજમાં નીતિ જશે.

– ૧૧/૧૦/૨૦૨૨

[અમદાવાદથી પ્રકાશિત દૈનિક ‘સનવિલા સમાચાર’ ના ૨૪/૦૩/૨૦૨૪ ના‌ અંકની ‘રંગશ્રી’ પૂર્તિની ‘ગઝલ’ કોલમમાં પ્રકાશિત]

Continue Readingજશે

સમજાવજે

  • Post published:18-Mar-24

શબ્દ હું ગોખી લઈશ, બસ અર્થ તું સમજાવજે,
આતમા-પરમાતમા નો ફર્ક તું સમજાવજે.

જ્યાં કહે જેવું કહે તું કર્મ હું કરતો રહીશ,
સારથી થઈ સગપણોનો મર્મ તું સમજાવજે.

તેં ચીંધેલા માર્ગ પર હું આંધળો ચાલ્યા કરીશ,
ધરતી ઉપર ક્યાં મળે છે સ્વર્ગ તું સમજાવજે.

માર્ગથી ભટકું હું ત્યારે ઓટલો તારો ચઢું,
સીધે રસ્તે ક્યાં મળે ઉત્કર્ષ તું સમજાવજે.

ધર્મને બંધન ગણું કે ઉન્નતિ નો માર્ગ છે,
બાંધવું કે છોડવું છે ધર્મ તું સમજાવજે.

દીવડો રાતે બળીને સૂર્યની જગ્યા ભરે,
બેવમાંથી કોણ છે આદર્શ તું સમજાવજે.

શબ્દના ઉપયોગમાં પણ શસ્ત્ર જેવો ઘાવ છે,
આ મને કોનો થયો છે સ્પર્શ તું સમજાવજે.

– ૨૭/૦૯/૨૦૨૨

[અમદાવાદથી પ્રકાશિત દૈનિક ‘સનવિલા સમાચાર’ ના ૧૭/૦૩/૨૦૨૪ ના‌ અંકની ‘રંગશ્રી’ પૂર્તિની ‘ગઝલ’ કોલમમાં પ્રકાશિત]

Continue Readingસમજાવજે